ગુજરાતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 32 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ વલસાડ શહેરમાં નોંધાયો હતો. નવસારી જિલ્લાના ચીખલીમાં 18 મીમી, વડોદરા શહેરમાં 17 મીમી અને અમરેલીના લીલીયામાં 12 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવનાને કારણે ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અનેક સ્થળોએ છ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે રાજ્યના વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નર્મદા, સુરત, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ સહિત કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુરુવારે પણ નવસારી, વલસાડ સહિતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ સહિતના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શુક્રવાર અને શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદનો આ સિલસિલો 30મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે.