કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે આપણા બંધારણના નિર્માતાઓએ જે જન કલ્યાણ રાજ્યની કલ્પના કરી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સપનું 2014 થી 2024 સુધી સાકાર કર્યું છે. જાહેર જીવનમાં લોકસેવા સાથે સંકળાયેલા લોકો જાણે છે કે પોતાની જાત કરતાં બીજાની કાળજી રાખવી એ જ જ્ઞાન કહેવાય છે અને તેનાથી જ સાચો આનંદ મળે છે.
ગુજરાત લોકસેવા ટ્રસ્ટના 13મા સ્થાપના દિને આયોજિત સમારોહને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણના મંત્રને સમાજના નીચલા સ્તર સુધી લઈ જઈને કરોડો ગરીબોનો વિકાસ સુનિશ્ચિત કર્યો છે. છેલ્લા દાયકામાં મોદીએ ટ્રસ્ટ અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કર્યું હતું.
ગાંધીજીના સેવાના મૂલ્યો
ગાંધીજીના સેવાના મૂલ્યો ગુજરાતની ધરતીમાં સમાયેલા છે. તેમનું તેજસ્વી વ્યક્તિત્વ ગુજરાતના લોકોના સ્વભાવમાં અનુભવાય છે. શાહે કહ્યું કે મોદીના દાયકાના કાર્યકાળમાં જન કલ્યાણનું સપનું સાકાર થયું છે. વર્ષ 2014માં મોદીએ સંકલ્પ લીધો હતો કે દેશમાં એક પણ ઘર શૌચાલય વગર ન રહે, કોઈ વ્યક્તિ અનાજ વગર ન રહે, દરેક વ્યક્તિ પાસે ઘર અને ગેસ કનેક્શન હોવું જોઈએ.
25 લાખ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા
શાહે કહ્યું કે આજે દેશના 60 કરોડથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું છે. ગરીબોના જનધન ખાતા ખોલવામાં આવ્યા. હવે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળશે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટને ટાંકીને શાહે કહ્યું કે દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે.
શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદે જ્ઞાનની સમજણ આપતાં કહ્યું હતું કે બીજાની કાળજી લેનાર જ જ્ઞાની છે. જે પોતાના કરતાં બીજાની વધુ ચિંતા કરે છે, તે પોતાની જાતિ, કુટુંબ, ગામ અને શહેરની સીમાઓથી ઉપર ઊઠીને બીજાના કલ્યાણની ચિંતા કરે છે. લોકકલ્યાણ સાથે સંકળાયેલા લોકો જાણે છે કે બીજાને મદદરૂપ થવાથી આત્મા અને બુદ્ધિને સંતોષ મળે છે.