દેશના પ્રતિષ્ઠિત જ્યોતિર્લિંગમાંના એક એવા ગુજરાતના સોમનાથ મંદિરથી 1.5 કિલોમીટર દૂર સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામોને શુક્રવારે મોડી રાત્રે દૂર કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે પોલીસ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાતાં સોમનાથમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો, જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. પોલીસે લોકોને સમજાવીને સવારે 3 વાગ્યા બાદ ડિમોલિશન હાથ ધર્યું હતું.
પોલીસ સૂત્રોનું માનીએ તો 50થી વધુ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 9 ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અને 45 પાકાં મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન પરના તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે.
15 હેક્ટર જમીન ખાલી કરી
વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આખા શહેરમાં વાતાવરણ શાંતિપૂર્ણ છે અને કોઈએ ડરવાની જરૂર નથી. આ સમયગાળા દરમિયાન કરાયેલી કાર્યવાહીને કારણે 15 હેક્ટર સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે અને તેની કિંમત 60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ડિમોલિશન બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગેરકાયદે બાંધકામની જગ્યાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. સોમનાથના ભીડીયા સર્કલ અને ગુડલક સર્કલની બંને તરફ એન્ટ્રી પર બેરીકેટ લગાવવામાં આવ્યા છે. સમગ્ર રોડ પર વિવિધ સ્થળોએ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.
1400થી વધુ પોલીસકર્મીઓ તૈનાત હતા
એક અધિકારીએ કહ્યું, ‘આજે સવારે થયેલા ડિમોલિશનમાં 1400થી વધુ પોલીસકર્મીઓ તૈનાત હતા, જેમાં 3 IG રેન્જ ઓફિસર, 3 SP, 4 DSP, 12 પોલીસ ઈન્સ્પેક્ટર, 24 PSI સામેલ છે. સૂત્રોનું માનીએ તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હંગામો મચાવનારા અથવા તોડફોડ અટકાવવાનો પ્રયાસ કરીને વિસ્તારની શાંતિ ડહોળવા માગતા 130થી વધુ લોકોની અટકાયત કરી હતી. આ ડિમોલિશનને સોમનાથનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટની હાજરીમાં તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
મહત્વની વાત એ છે કે ઉજ્જૈન કોરિડોરની જેમ સોમનાથમાં પણ કોરિડોર બનવાનો છે, જેના માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મળી ગઈ છે. સોમનાથ મંદિરના વિકાસ માટે અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં આ ડિમોલિશન બાદ કોરિડોરના કામમાં ઝડપ આવે તેવી શક્યતા છે.