ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈત્રા વસાવાએ નવા આદિવાસી સંગઠનની રચનાની જાહેરાત કરી છે. ધારાસભ્ય ચૈત્રા વસાવાએ શુક્રવારે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નવા સંગઠનનું નામ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા રાખવામાં આવ્યું છે. જો સરકાર આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોના વિકાસને સમર્થન આપવામાં નિષ્ફળ જશે તો અમે અલગ રાજ્ય માટે આંદોલન કરીશું.
દેડિયાપાડાના ધારાસભ્ય વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયોએ દેશના વિકાસ માટે તેમની જમીનો આપી હતી, પરંતુ તેઓ પોતે પાછળ રહી ગયા હતા. આજે અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી આગેવાનો સાથે મળીને ‘ભીલ પ્રદેશ મુક્તિ મોરચા’ નામનું સંગઠન બનાવ્યું છે, જે અંતર્ગત અમે અમારા બંધારણીય અધિકારોની માંગણી માટે એક મોટું આંદોલન કરીશું.
તેમણે કહ્યું કે જો સરકાર અમને વિકાસ સાધવામાં મદદ નહીં કરે તો અમે અલગ ‘ભીલ પ્રદેશ’ની માગણી કરીશું અને તેની રાજધાની તરીકે કેવડિયા પ્રસ્તાવિત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોને જોડીને નવા રાજ્યની રચના કરવામાં આવશે. સંસ્થાની વિદ્યાર્થી, યુવાનો, મહિલા અને ખેડૂત શાખાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગુજરાતના નર્મદા જિલ્લાનું કેવડિયા હવે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પ્રખ્યાત છે. આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને વિવિધ રાજ્યોની ભાજપ સરકારો આદિવાસી સમુદાયોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે, પરંતુ અલગ રાજ્યની માગણી સ્વીકાર્ય નથી.