વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું , સતત 11 મેચની હારનો સિલસિલો તોડ્યો
શેરફેન રધરફોર્ડની પ્રથમ ODI સદીથી વેસ્ટ ઈન્ડિઝને બાંગ્લાદેશ સામે 11 મેચની હારનો સિલસિલો તોડવામાં અને પાંચ વિકેટથી જીત નોંધાવવામાં મદદ મળી.
સેન્ટ કિટ્સમાં કેરેબિયન ટીમે 295 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. જીતનો હીરો રધરફોર્ડ હતો, જેણે ધીમી શરૂઆત બાદ 80 બોલમાં 113 રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝને એક વખત 114 બોલમાં 161 રનની જરૂર હતી, પરંતુ તેણે 14 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો.
બુમરાહ બન્યો દુનિયાનો નંબર-1 બૉલર
આ પહેલા દક્ષિણ આફ્રિકાનો ઘાતક ઝડપી બૉલર કાગીસો રબાડા ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતો. ઓસ્ટ્રેલિયાનો જૉશ હેઝલવુડ બીજા સ્થાને હતો. ભારતનો બુમરાહ ત્રીજા સ્થાને હતો. હવે બુમરાહે આ બે ઝડપી બૉલરોને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ICCની તાજેતરની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહના હવે 883 રેટિંગ પૉઈન્ટ છે. જ્યારે કાગિસો રબાડાના હવે 872 રેટિંગ પૉઈન્ટ છે. રબાડા હવે બીજા સ્થાને સરકી ગયો છે. આ સિવાય જોશ હેઝલવુડ 860 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
આખરે ભારતના દબાણથી પાકિસ્તાન ઝૂક્યું , ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે. એટલે કે પાકિસ્તાનની સાથે આ ટૂર્નામેન્ટની મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીસીબીએ શનિવારે આઈસીસીની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો કે ટીમ ઈન્ડિયાની મેચ ન્યુટ્રલ વેન્યૂ પર રમાશે.
જોકે પાકિસ્તાને ICC સમક્ષ કેટલીક શરતો મૂકી છે. PCB ICC પાસેથી વધુ આવક મેળવવા માગે છે અને 2031 સુધીમાં ભારતમાં તમામ મોટી ઇવેન્ટ હાઇબ્રિડ મોડલમાં હોવી જોઈએ.
શ્રીલંકા પ્રથમ ટેસ્ટમાં 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ , 5 બેટર ઝીરો પર આઉટ
સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ માત્ર 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 5 બેટર્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા અને ટીમે 13.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવી દીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી લેફ્ટ આર્મ પેસર માર્કો યાન્સેને 7 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા 14 ઓવર પણ બેટિંગ કરી શકી નહીં શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 14 ઓવર પણ બેટિંગ કરી શકી ન હતી. ટીમે ત્રીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી અને 10મી વિકેટ પણ 14મી ઓવરના પાંચમા બોલ પર પડી હતી. લાહિરુ કુમારાએ 10 અને કામિન્દુ મેન્ડિસે 13 રન બનાવ્યા હતા.
IPL મેગા ઓક્શન: રિષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ના ઑક્શનમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ ખરીદી લીધો છે. આ સાથે જ પંત IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
ગત સિઝન IPL 2024માં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમમાં કેપ્ટન હતો. જેને આ સિઝનમાં ટીમે રિટેન નહતો કર્યો. ઋષભ પંતે પોતાની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા નક્કી કરી હતી.