Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ યુવા મતદારો પોતાના મતાધિકારનો પ્રથમવાર ઉપયોગ કરવા મતદાન મથક પહોંચી ગયાં હતાં. પ્રથમ વખત મત આપીને યુવા મતદારોએ કહ્યું કે, અમારા ડાબા હાથની આંગળી પર લાગેલી આ શાહી લોકશાહીનો પાયો વધુ મજબૂત કરશે. જેથી અમે જવાબદારીપૂર્વક અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
દેશના વિકાસમાં ભાગીદાર થવાનો અવસર
સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા અને BBAનો અભ્યાસ કરતા ૨૦ વર્ષીય પ્રીતિ પ્રકાશભાઈ કાપડિયા પ્રથમવાર મતદાન કરવાં યોગી ચોક પાસે હરેકૃષ્ણ વિદ્યાલયના મતદાન મથક પર પહોંચી હતી. ત્યારે ખુબ જ ખુશ હતી. તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ? પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે. હવે હું હરહંમેશ મતદાન કરીશ. મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર છે’
હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત્ત બન્યાં
કામરેજ ગામના ૨૪ વર્ષીય પિયુષ કિશોરભાઈ ચાવડાએ જીવનનું પ્રથમ વાર મતદાન કર્યું હતું. હીરા વ્યવસાય સાથે જોડાયેલા યુવા મતદાર પિયુષ ચાવડાએ જણાવ્યું કે, હું નાઈટ શિફ્ટમાં કામ પર જાઉં છું, અને દિવસે ઊંઘ પૂરી કરું છું, પણ આજે મતદાન કરવાનું હોવાથી સુવાના બદલે મત આપવા આવ્યો છું. મત આપ્યાની ફરજ નિભાવ્યા બાદ હવે સંતોષની નિંદ્રા આવશે. તેણે ઉમેર્યું કે, મોટી સંખ્યામાં મતદાન થાય એ જ દેશની જાગૃત્તિ કહી શકાય. હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત્ત બન્યાં છે. મેં મારી સોસાયટીમાં તેમજ સગાસંબંધીઓને એમ સૌને મતદાન કરવાંની અપીલ કરી હતી.
સવારમાં પહેલું કામ મતદાનનું કર્યું
નવાગામ-ડીંડોલીની નગર પ્રાથમિક ગુજરાતી/મરાઠી શાળામાં મતદાન માટે આવેલા ૨૧ વર્ષીય જ્યોતિ નાયકાએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. રોજગારી અર્થે કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક ટેકો આપતા જ્યોતિ બેને કહ્યું કે, મતદાનના દિવસે ખાસ રજા હોવાથી હું સવારથી જ પરિવાર સાથે મતદાન બુથ પર પહોંચી ગઈ હતી.