Lok Sabha Election 2024 :ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3માં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરિદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ આ મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે
માત્ર એક મતદાતા માટે આખું મતદાન મથક ઉભું કરવામાં આવે છે
ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે.માત્ર એક મત માટે બાણેજ ખાતે ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવતી વખતે ચૂંટણી પંચ દરેક મતદાર માટે એક ખાસ મતદાન મથક પણ બનાવે છે અને સવારથી સાંજ સુધી આ બૂથ પર ફરજ બજાવતા 15 કર્મચારીઓ હાજર રહે છે.
ચૂંટણીપંચ 2002થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા કરે છે
ગીર સોમનાથના જિલ્લા કલેકટર તંત્ર દ્વારક બાણેજ મંદિર નજીક ફોરેસ્ટ કવાટરમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે.જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર છે, જેને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે.મંદિરના મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે.જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે.ચૂંટણીપંચ 2002થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ આ બૂથ બનાવવામાં આવ્યું છે. જે અહીં 15 જેટલો પોલિંગ સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે.
હું ચૂંટણી પંચનો આભારી છું, મતદાતા અચૂક મતદાન કરે – હરિદાસબાપુ
ગીર જંગલ મધ્યે આવેલા બાણેજ બુથ માં મહંત હરિદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા જ અહીં સો ટકા મતદાન થયું છે.અહીં બનાવેલા આ સ્પેશિયલ બૂથ વિશે હરિદાસબાપુ કહે છે કે, લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું ચૂંટણી પંચનો આભારી છું.હું દરેકને અચૂક મતદાન કરવા અપીલ કરું છું. હરિદાસબાપુ વધુમાં કહે છે કે મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણે મતદાન કરવું જ જોઈએ, ચૂંટણીએ લોકશાહીની ધરોહર છે.