ઝારખંડમાં યોજાનારી વિધાનસભાને લઈને ચૂંટણી પંચે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી અનુરાગ ગુપ્તાને હટાવી દીધા છે. પંચે રાજ્ય સરકારને વિલંબ કર્યા વિના નવા ડીજીપીની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે.
અનુરાગ ગુપ્તા 1990 બેચના આઈપીએસ અધિકારી છે. ભારતના ચૂંટણી પંચે ઝારખંડ સરકારને અનુરાગ ગુપ્તાને કાર્યવાહક મહાનિર્દેશકના પદ પરથી હટાવવા અને કેડરમાં ઉપલબ્ધ સૌથી વરિષ્ઠ DGP સ્તરના અધિકારીને હવાલો સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અનુરાગ ગુપ્તાના સ્થાને અનિલ પલટા કે પ્રશાંત સિંહને નવા ડીજીપી તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ પહેલા રાજ્ય સરકારે ચૂંટણીની જાહેરાત પહેલા રાંચીના ડીસી અને બોકારોના એસપીની બદલી કરી દીધી હતી. હવે ગૃહ વિભાગ ટૂંક સમયમાં નવા ડીજીપી અંગે જાહેરનામું બહાર પાડશે.
ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન છે. પ્રથમ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતના ચૂંટણી પંચના આ આદેશને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.