ભારતીય શેરબજારે આજે, ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2024ના રોજ નવો રેકોર્ડ બનાવ્યો છે. નિફ્ટી 50 ઇન્ડેક્સ 26,000 પોઈન્ટની ઉપર, 26,005 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 85,000ની સપાટી વટાવીને 85,167 પોઈન્ટ પર ખુલ્યો. થોડા સમય પછી, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ સતત છઠ્ઠા સત્રમાં નવી સર્વકાલીન ઉચ્ચ સપાટી હાંસલ કરી છે. વૈશ્વિક બજારોમાં હકારાત્મક સંકેતો અને સ્થાનિક રોકાણકારોના ઉત્સાહથી બજારને ટેકો મળ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગમાં, સેન્સેક્સ 85,433.31ની સર્વકાલીન ઊંચી સપાટીએ અને નિફ્ટી 26,075.20ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં રેકોર્ડ વધારો
આજના ટ્રેડિંગની શરૂઆત થોડી ધીમી થઈ હતી, પરંતુ છેલ્લા અડધા કલાકમાં સેન્સેક્સ-નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 43.20 પોઈન્ટ વધીને 26,047.35 પર પહોંચ્યો હતો. સવારે 10:10 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 247.00 પોઈન્ટ (0.29%) ના વધારા સાથે 26,072.80 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 68.65 પોઈન્ટ્સ (0.26%) ના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.
આગલા દિવસના ટ્રેડિંગ સેશનમાં એટલે કે બુધવારે ભારતીય શેરબજાર સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયું હતું. દિવસના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી બંને અનુક્રમે 85,247 અને 26,032ની નવી સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 255 પોઈન્ટ્સ અથવા 0.30 ટકાના વધારા સાથે 85,169 પર અને નિફ્ટી 63 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 26,004 પર બંધ થયો.