રાજકોટમાં મોટી કાર્યવાહી કરતા, બેંગલુરુ પોલીસે નાણાકીય છેતરપિંડીના કેસમાં એક્સિસ બેંકના રિલેશનશિપ મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ચારેયે બેંગલુરુ સ્થિત કંપની ડ્રીમપ્લગ પેટેક સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડમાંથી રૂ. 12 કરોડથી વધુની ઉચાપત કરી હતી. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.
બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓમાં રિલેશનશિપ મેનેજર વૈભવ પીઠડિયા (29), બેન્કિંગ એજન્ટ નેહા બેન વિપુલભાઈ (26), વીમા એજન્ટ અને વૈભવના સહયોગી શૈલેષ અને રાજકોટના કમિશન એજન્ટ શુભમનો સમાવેશ થાય છે. આ મામલે ડ્રીમપ્લગના કાર્યકારી અધિકારી નરસિંહ વસંત શાસ્ત્રીની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
પોલીસ તપાસમાં જોડાઈ
કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે આ છેતરપિંડી 12 નવેમ્બરે બહાર આવી હતી. જ્યારે ડ્રીમપ્લગના અધિકારીઓએ કંપનીના ખાતામાં શંકાસ્પદ વ્યવહારોની ઓળખ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓએ નકલી હસ્તાક્ષર અને બોર્ડ રિઝોલ્યુશન સહિતના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને સબમિટ કર્યા હતા, જેમાં એકાઉન્ટ્સ સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં ફેરફારની વિનંતી કરવામાં આવી હતી.
આ રીતે છેતરપિંડી આચરવામાં આવી હતી
ડ્રીમપ્લગે વધુમાં જણાવ્યું હતું કે આ છેતરપિંડી એક્સિસ બેંકની અંકલેશ્વર શાખામાં 22 જુલાઈએ અને સુરતમાં 12 ઓક્ટોબરે કરવામાં આવી હતી. એક્સિસ બેંકના રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું છે કે 2021માં ડ્રીમપ્લગના એકાઉન્ટમાં એક કોર્પોરેટ ID અને ચાર યુઝર ID જારી કરવામાં આવ્યા હતા. જેમાંથી કંપનીએ માત્ર એકનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ 2 નિષ્ક્રિય આઈડી દ્વારા આ છેતરપિંડી કરી હતી. પોલીસને આપેલી માહિતીમાં અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ શરૂઆતમાં 15.2 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માત્ર 12.2 કરોડ રૂપિયા જ ઉપાડી શકાયા.
એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા બાદ આરોપીએ તેને દેશભરના અનેક ખાતાઓમાં ફેલાવી દીધો હતો. પોલીસ હવે એક્સિસ બેંકના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરી રહી છે જેથી કરીને આ છેતરપિંડી શોધી શકાય.