IPLના પૂર્વ ચેરમેન લલિત મોદી અંગે એક સમાચાર સામે આવ્યા છે. લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે. આ પછી તેણે નાના દેશ વનુઆતુની નાગરિકતા લીધી છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે લલિત મોદીએ ત્યાં મોટું રોકાણ કરીને વનુઆતુનો ગોલ્ડન પાસપોર્ટ પણ મેળવ્યો છે, જેના પછી તેઓ લગભગ 113 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકશે.
હવે પ્રશ્ન એ છે કે, તમે ઘણા પ્રકારના પાસપોર્ટ વિશે સાંભળ્યું હશે, પરંતુ આ ગોલ્ડન પાસપોર્ટ શું છે? આ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તેની વિશેષતા શું છે? આ લેખમાં આપણે આ જાણીશું.
નાગરિકતા વેચવાની એક રીત
વિશ્વના ઘણા દેશોમાં નાગરિકતા મેળવવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ કેટલાક દેશો એવા છે જે પોતાની નાગરિકતા વેચે છે. આ દેશોમાં રોકાણ કરીને અથવા મિલકત ખરીદીને કોઈપણ વ્યક્તિ નાગરિકતા મેળવી શકે છે. આ રીતે આ દેશો રોકાણ દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. વનુઆતુ જેવા લગભગ 20 દેશો ‘સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ’ (CBI) અથવા ‘ગોલ્ડન પાસપોર્ટ’ જેવા કાર્યક્રમો ચલાવી રહ્યા છે. આ દેશોમાં રોકાણ દ્વારા નાગરિકતા મેળવી શકાય છે.
આટલા કરોડ રૂપિયામાં મળે છે ગોલ્ડન પાસપોર્ટ
લલિત મોદીએ વનુઆતુની નાગરિકતા લીધી છે, ત્યારબાદ તેમણે આ દેશમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. માહિતી અનુસાર, વનુઆતુમાં નાગરિકતા ખરીદવાનો ખર્ચ રૂ. ૧.૧૮ કરોડથી રૂ. ૧.૩૫ કરોડ સુધીનો છે. આ ઉપરાંત, કેટલાક અન્ય દેશો પણ છે જે આવા કાર્યક્રમો ચલાવીને નાગરિકતા વેચે છે. ઑસ્ટ્રિયામાં રોકાણ માટે કોઈ સ્કેલ નથી. આ દેશના નાગરિક બનવા પર, વ્યક્તિને 180 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. જ્યારે માલ્ટામાં ૫.૪ કરોડ રૂપિયાનું રોકાણ કરીને નાગરિકતા મળે છે. ડોમિનિકા અને સેન્ટ્રલ લુસિયામાં ૮૩ લાખ રૂપિયા, જ્યારે તુર્કીયેનો પણ આમાં સમાવેશ થાય છે, જ્યાં નાગરિકતા માટે ૩.૩ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે.
ગોલ્ડન પાસપોર્ટ કેમ ખરીદવો?
જે દેશો આવા કાર્યક્રમો ચલાવીને નાગરિકતા વેચી રહ્યા છે તેમના પાસપોર્ટ ખૂબ જ શક્તિશાળી છે. આવી સ્થિતિમાં, તે દેશના નાગરિક બન્યા પછી, વ્યક્તિને ઘણા દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. મોટાભાગના ઉદ્યોગપતિઓ આ કરે છે, જે તેમને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. ‘રોકાણ દ્વારા નાગરિકતા’ કાર્યક્રમો ધરાવતા ઘણા દેશો ટેક્સ હેવન છે; અહીં વ્યવસાય કરવા પર કોઈ ટેક્સ ચૂકવવાનો નથી.