સમગ્ર વિશ્વમાં ભારતને એક યુવા દેશ તરીકે જોવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે ૧૪૦ કરોડની વસ્તીમાં, મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ હજુ પણ ખૂબ જ યુવાન છે. યુવાનોમાં બાઇકનો ખૂબ જ ક્રેઝ છે. હવે દેશના યુવાનો માટે સારા સમાચાર છે. સરકારે બજેટમાં કેટલીક જાહેરાતો કરી છે, જેનાથી ભારતમાં આયાતી બાઇકની કિંમત ઘટી શકે છે અને આયાતી બાઇક પહેલા કરતાં વધુ સસ્તી બનશે.
વાસ્તવમાં, સરકારે હાઇ-એન્ડ આયાતી બાઇકો પરની આયાત ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. હાર્લી-ડેવિડસન પર ટેરિફ વિવાદ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યો છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને ઘટાડવા માટે સખત દબાણ કરી રહ્યા છે. બજેટ 2025 માં કરવામાં આવેલી જાહેરાત પછી, જે ગ્રાહકો હાઇ-એન્ડ બાઇક ખરીદવા માંગે છે તેમને ચોક્કસપણે થોડી રાહત મળવાની છે.
૧,૬૦૦ સીસી સુધીની એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક, જે કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ (CBU) તરીકે આયાત કરવામાં આવે છે, તેના પરની આયાત ડ્યુટી હવે ઘટાડીને ૩૦ થી ૪૦ ટકા કરવામાં આવી છે. અગાઉ, સરકાર આ બાઇકો પર 50 ટકા આયાત ડ્યુટી વસૂલતી હતી. જે હાઇ એન્ડ બાઇક પ્રેમીઓ માટે મોટી રાહત છે. હવે, પહેલાની સરખામણીમાં, ગ્રાહકો આ બાઇકની ખરીદી પર 10 થી 20 ટકા બચત કરી શકશે.
આ બાઇક્સની કિંમત ઓછી હશે
વધુમાં, સેમી-નોક્ડ ડાઉન (SKD) કીટ પરની આયાત ડ્યુટી 25 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવી છે, અને કમ્પ્લીટલી નોક્ડ ડાઉન (CKD) યુનિટ પર હવે 15 ટકાથી ઘટાડીને 10 ટકા કર લાગશે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો પછી, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વેચાણમાં વધારો થવાની અપેક્ષા છે.
ટેરિફમાં ઘટાડો
ટેરિફમાં આ ઘટાડાથી ભારતમાં હાર્લી-ડેવિડસન બાઇકના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, હવે પહેલા કરતાં વધુ ગ્રાહકો આ બાઇક ખરીદી શકે છે અને તેનાથી કંપનીની નફાકારકતામાં પણ વધારો થવાની અપેક્ષા છે. અહીં એ પણ નોંધનીય છે કે આયાતી બાઇક પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય સરકાર તરફથી ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન માલ પર ઊંચા ટેરિફ લાદનારા દેશો પર પારસ્પરિક કર લાદવાની ચેતવણી આપી હતી.