સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં એક દુ:ખદ અકસ્માતમાં નવ ભારતીયોએ જીવ ગુમાવ્યા. ભારતીય મિશને બુધવારે જણાવ્યું હતું કે, જીઝાનના પશ્ચિમી ક્ષેત્ર નજીક એક માર્ગ અકસ્માતમાં નવ ભારતીય નાગરિકોના મોત થયા છે. મિશનએ જણાવ્યું હતું કે તે ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. જેદ્દાહ એ ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાનું મુખ્ય પ્રવેશદ્વાર છે.
ભારતીય કોન્સ્યુલેટે X પર પોસ્ટ કર્યું, “સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્ર જેદ્દાહ નજીક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ.
દૂતાવાસે કહ્યું, “જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યું છે અને અધિકારીઓ અને પરિવારોના સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. આ સંદર્ભમાં વધુ માહિતી માટે એક ખાસ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.”
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અકસ્માત અને જાનમાલના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, “આ અકસ્માત અને ગુમાવેલા જીવ વિશે જાણીને દુઃખ થયું. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી જેઓ અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુ:ખદ પરિસ્થિતિમાં શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે.”