Fire In New Born Baby : રાજધાની દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી બેબી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 7 નવજાત બાળકોના કરૂણ મોત થયા હતા. આગ શનિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ બહાર ફેલાઈ ગઈ. અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી નવ અગ્નિશામક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ બાળકોને કેન્દ્રમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ફાયરના જવાનોએ 12 નવજાત બાળકોને બચાવ્યા હતા.
12 બાળકોને બચાવી લેવાયા હતા
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે વિવેક વિહારમાં IIT, બ્લોક બી નજીકના બાળ સંભાળ કેન્દ્રમાંથી આગની જાણ કરવામાં આવી હતી. ગર્ગે કહ્યું હતું કે, “કુલ નવ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.”
5 બાળકો સારવાર હેઠળ છે
મળતી માહિતી મુજબ ગત રાત્રે આગ લાગ્યા બાદ ફાયર વિભાગની ટીમે 12 બાળકોને બચાવી લીધા હતા. આ તમામ બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 7 બાળકોના મોત થયા હતા. પાંચ બાળકો સારવાર હેઠળ છે. માહિતી આપતાં ફાયર ડિરેક્ટરે જણાવ્યું હતું કે 120 સ્ક્વેર યાર્ડમાં બનેલા એડવાન્સ કેર હોસ્પિટલ બેબી કેર સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગી હતી. 16 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.