IPL 2024 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં 26મી મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે જ્યારે IPLની આ સિઝન માટે યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં પેટ કમિન્સને 20 કરોડ 50 લાખ રૂપિયામાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો, ત્યારે ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું. તેની પાછળનું કારણ એ હતું કે આઈપીએલમાં એક ખેલાડી તરીકે કમિન્સનો રેકોર્ડ વધુ સારો ન હતો, પરંતુ હૈદરાબાદે તેને કેપ્ટનશિપની જવાબદારી સોંપી હતી, જે બાદ હવે કમિન્સે બધાને ખોટા સાબિત કરીને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી દીધી છે. આ સાથે કમિન્સ પણ આઈપીએલ ઈતિહાસમાં એક ખાસ યાદીનો હિસ્સો બની ગયો છે.
કમિન્સ કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ સિઝનમાં ટીમને ફાઇનલમાં પહોંચાડનાર 9મો ખેલાડી છે.
આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીની 17 સીઝનમાં એવી ઘણી ઓછી સીઝન બની છે જ્યારે કોઈ ટીમ નવા કેપ્ટનના નેતૃત્વમાં સીઝન રમી હોય અને ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હોય. કમિન્સ હવે આ ખાસ યાદીનો હિસ્સો બની ગયો છે. કમિન્સ પહેલા, માત્ર 8 ખેલાડીઓ કેપ્ટન તરીકે તેમની ડેબ્યૂ સિઝનમાં આવું કરી શક્યા હતા. વર્ષ 2008માં રમાયેલી પ્રથમ આઈપીએલ સિઝનમાં શેન વોર્ન અને એમએસ ધોની ઉપરાંત અનિલ કુંબલે, ડેનિયલ વેટોરી, રોહિત શર્મા અને જ્યોર્જ બેઈલીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જો કે, આમાંથી માત્ર ત્રણ એવા કેપ્ટન છે જેઓ IPLમાં પોતાની કેપ્ટનશિપની ડેબ્યૂ સિઝનમાં રમતા ટીમ માટે ટાઇટલ જીતવામાં સફળ રહ્યા હતા.
IPLમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ સીઝન રમીને ટીમને ફાઇનલમાં લઈ જનારા ખેલાડીઓ
- શેન વોર્ન – રાજસ્થાન રોયલ્સ (2008)
- એમએસ ધોની – ચેન્નાઈ સુપર કિંગ્સ (2008)
- અનિલ કુંબલે – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2009)
- ડેનિયલ વેટોરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2011)
- રોહિત શર્મા – મુંબઈ ઈન્ડિયન્સ (2013)
- જ્યોર્જ બેઈલી – પંજાબ કિંગ્સ (2014)
- કેન વિલિયમસન – સનરાઇઝર્સ હૈદરાબાદ (2018)
- હાર્દિક પંડ્યા – ગુજરાત ટાઇટન્સ (વર્ષ 2022)
- પેટ કમિન્સ – સનરાઇઝર્સ હૈદરાબાદ (2024)