Rajinikanth: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે. રજનીકાંત તાજેતરમાં અબુધાબી ગયા હતા. અભિનેતાને ત્યાં આ સન્માન પ્રાપ્ત થયું છે. આ સન્માન માટે રજનીકાંતે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલીનો તેમના પ્રયાસો માટે આભાર માન્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
રજનીકાંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે UAE સરકાર તરફથી મળેલા ગોલ્ડન વિઝા માટે અબુ ધાબી સરકારનો આભાર માની રહ્યો છે. તેમજ અત્યંત સન્માનની લાગણી અનુભવે છે. સુપરસ્ટારે વીડિયોમાં કહ્યું કે, “અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત છું.”
અભિનેતાએ વધુમાં કહ્યું, ‘હું આ વિઝાની સુવિધા આપવા અને તમામ સહયોગ માટે અબુ ધાબી સરકાર અને મારા સારા મિત્ર શ્રી યુસુફ અલી, લુલુ ગ્રુપના સીએમડીનો હૃદયપૂર્વક આભાર માનું છું.’ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આ સમાચારથી રજનીકાંતના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.
તાજેતરમાં અભિનેતા લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલી અને તેના અન્ય ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. આ દરમિયાન બંને રોલ રોયસમાં સવાર હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે સુપરસ્ટાર લુલુ ગ્રુપના માલિક સાથે સહયોગ કરી શકે છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રજનીકાંતે તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ ‘વેટ્ટાઈયાં’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે ટીજે જ્ઞાનવેલ દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. લાયકા પ્રોડક્શન હેઠળ નિર્મિત આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત અમિતાભ બચ્ચન, ફહાદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, મંજુ વૉરિયર અને દુશારા વિજયન મુખ્ય ભૂમિકામાં છે.