રાજધાની દિલ્હીના દક્ષિણ જિલ્લામાં ત્રણ સગીર છોકરાઓએ એક વ્યક્તિને છરીના ઘા મારીને હત્યા કરી દીધી. આ ઘટના ખુલ્લેઆમ અંજામ આપવામાં આવી હતી. જોકે, માહિતી મળ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. આ મામલો જૂની દુશ્મનાવટનો હોવાનું કહેવાય છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 23 વર્ષીય યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જેનું કારણ જૂની દુશ્મનાવટ હોવાનું કહેવાય છે. બુધવારે પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ મુકુલ તરીકે થઈ છે, જે મદનગીર વિસ્તારનો રહેવાસી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે, તેમને મદનગીર વિસ્તારમાં છરાબાજીની ઘટનાની માહિતી મળી. આ પછી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ મુકુલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં બાદમાં તેમનું મોત નીપજ્યું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ત્રણ સગીરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓમાંથી એક મુકુલનો પાડોશી છે અને તેની સાથે જૂની દુશ્મનાવટ છે. હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.