મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં રિક્ષા અને મોટરસાઇકલ વચ્ચે થયેલી અથડામણ બાદ બે જૂથો આમને સામને આવી ગયા. બંને પક્ષો તરફથી એકબીજા પર પથ્થરમારો થયો. પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં થયેલા માર્ગ અકસ્માત પછી આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સંપત્તિના નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. પોલીસ ટીમ દ્વારા પરિસ્થિતિ ધીમે ધીમે કાબુમાં લેવામાં આવી રહી છે. સોમવારે સવારે વાતાવરણ થોડું શાંત દેખાયું.
એએસપી શ્રવણ એસ દત્તે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, ‘રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યે, એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. અગાઉના દિવસે, એક ઘટના બની હતી જેના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. થોડા સમય પછી, પથ્થરમારાનાં અહેવાલો મળ્યા. ઘટનાસ્થળે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે પોલીસ દળ તૈનાત હોવાને કારણે હિંસા અન્ય વિસ્તારોમાં ફેલાઈ ન હતી. કોઈ પણ પ્રકારની મિલકતને નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. પથ્થરમારામાં સંડોવાયેલા કેટલાક શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી છે.
જલગાંવમાં ટ્રેન પર પથ્થરમારો થયો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના જલગાંવ રેલ્વે સ્ટેશન નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફક્ત B6 કોચની બારીના કાચને નુકસાન થયું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જલગાંવ રેલ્વે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરતથી છાપરા જતી તાપ્તી ગંગા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા પથ્થરમારા અંગે જાણ કરી હતી. તેમણે કહ્યું કે મહાકુંભ મેળા માટે પ્રયાગરાજ જઈ રહેલા મુસાફરોના જણાવ્યા મુજબ, જલગાંવ સ્ટેશનથી નીકળ્યાના બે-ત્રણ કિલોમીટર પછી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.