ડૉલરની મજબૂતી, અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો અને કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોની આશંકા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી રૂ. 44,396 કરોડ પાછા ખેંચી લીધા છે.
ડિપોઝિટરી ડેટામાંથી મેળવેલ માહિતી
આ માહિતી ડિપોઝિટરી ડેટામાંથી મેળવવામાં આવી છે. અગાઉ ડિસેમ્બરમાં FPIsએ ભારતીય શેરબજારમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું હતું. સ્થાનિક અને વૈશ્વિક મોરચે વિવિધ અવરોધોને કારણે વિદેશી રોકાણકારોના વલણમાં પરિવર્તન આવ્યું છે. ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ મહિને અત્યાર સુધી (17 જાન્યુઆરી સુધી) ભારતીય શેરોમાંથી ચોખ્ખા રૂ. 44,396 કરોડ પાછા ખેંચી લીધા છે. 2 જાન્યુઆરી સિવાય આ મહિનાના તમામ દિવસોમાં FPIsનું વેચાણ થઈ રહ્યું છે.
મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ઓપિનિયન
મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ ઈન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ભારતીય રૂપિયામાં સતત ઘટાડાથી વિદેશી રોકાણકારો પર ઘણું દબાણ છે. તેથી જ તેઓ ભારતીય બજારમાંથી તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે.” તેમણે કહ્યું કે આ સિવાય તાજેતરના ઘટાડા છતાં ભારતીય શેરના ઊંચા મૂલ્યાંકન, નબળા ત્રિમાસિક પરિણામોની શક્યતા, આર્થિક વૃદ્ધિની ગતિ અંગેની અનિશ્ચિતતા રોકાણકારોને અસર કરી રહી છે.
જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસ ઓપિનિયન
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “FPIs દ્વારા સતત વેચવાલીનું મુખ્ય કારણ ડૉલરનું મજબૂતીકરણ અને યુએસમાં બોન્ડની યીલ્ડમાં વધારો છે. ડૉલર ઇન્ડેક્સ 109થી ઉપર છે અને 10-વર્ષના યુ.એસ. બોન્ડ 4.6 ટકાથી ઉપર છે.” આવી સ્થિતિમાં, FPIs માટે ઊભરતાં બજારોમાં, ખાસ કરીને સૌથી મોંઘા ઊભરતાં બજારોમાં, ભારતમાં વેચાણ કરવું તાર્કિક છે.”
અમેરિકામાં બોન્ડ યીલ્ડ આકર્ષક છે
અમેરિકામાં બોન્ડ યીલ્ડ આકર્ષક રહેતી હોવાથી, FPIs ડેટ અથવા બોન્ડ માર્કેટમાં પણ વેચાણ કરી રહ્યા છે. તેઓએ બોન્ડ માર્કેટમાં સામાન્ય મર્યાદા હેઠળ રૂ. 4,848 કરોડ અને સ્વૈચ્છિક રીટેન્શન રૂટ દ્વારા રૂ. 6,176 કરોડ ઉપાડી લીધા છે.
એકંદરે, આ વલણ વિદેશી રોકાણકારોના સાવચેતીભર્યા વલણને પ્રતિબિંબિત કરે છે, જેમણે 2024માં ભારતીય શેરોમાં માત્ર રૂ. 427 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. અગાઉ 2023માં ભારતીય શેરોમાં FPI રોકાણ રૂ. 1.71 લાખ કરોડ હતું. 2022માં વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા આક્રમક દરમાં વધારાની વચ્ચે FPIsએ ભારતીય બજારમાંથી રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચી લીધા હતા.