Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યો છે. રાત્રીનુ તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે. આજે ગુજરાતમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.3 ડિગ્રીએ પહોચ્યો છે. જ્યારે બનાસકાંઠાના ડીસામાં 45.1 ડિગ્રી અને અમદાવાદમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ જ ગુજરાતમાં સતત કેટલાક દિવસથી ધરતી આકરા તાપથી ધગધગી રહી છે. બળબળતા તાપને કારણે સૌ કોઈ આકુળવ્યાકુળ થઈ રહ્યાં છે. ગુજરાતમાં દિવસ અને રાત્રીના તાપમાનનો પારો રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત ગરમીનો પારો 42-43 ડિગ્રીને પાર રહ્યો છે. તેના કારણે રાત્રીના લઘુત્તમ તાપમાન પણ ઉંચકાયેલુ રહે છે.
અમદાવાદમાં ગત રાત્રીનું તાપમાન 31.2 ડિગ્રી, અમરેલીમાં 28.1 ડિગ્રી, વડોદરામાં 30.9 ડિગ્રી, ભાવનગર 29, ભૂજ 28.2, છોટા ઉદેપુર 29.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે. દાહોદમાં 28.7 ડિગ્રી, ડાંગમાં 26 ડિગ્રી, ગાંધીનગરમાં 31.2 ડિગ્રી, જામનગરમાં 28.8 ડિગ્રી, નલિયા અને પોરબંદરમાં 27 ડિગ્રી, રાજકોટમાં 26 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી રાત્રીનું તાપમાન નોંધાયું હતું