ગુજરાત સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે ‘ઓપરેશન ગંગાજળ’ શરુ કર્યું છે જેમાં ભ્રષ્ટ અધિકારીઓને ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનું શરુ કરી દીધું છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં 35થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ ચાલુ નોકરીએ જ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી ઘરે બેસાડી દીધા છે. જેમાં વધારો કરતા સરકારે આજે આરોગ્ય વિભાગના વધુ 4 અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપી દીધું છે.
ઓપરેશન ગંગાજળ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, ખેડા, છોટાઉદેપુર અને આણંદના મેડિકલ ઓફિસરો સામે કાર્યવાહી કરાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓને ઘર ભેગા અથવા ફરજિયાત વયનિવૃત્ત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના મેડિકલ ઓફિસરોને ઘર ભેગા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના મેડિકલ ઓફિસરને ફરજિયાત વયનિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
આ 4 આરોગ્ય અધિકારીઓને અપાયા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ
- ડૉ. બીજોલભાઈ ભીમાભાઈ ભેદારુ – તાલુકા આરોગ્ય અધિકારી, દાંતીવાડા, જિ. બનાસકાંઠા
- ડૉ. વિપુલ રજનીકાંત અમીન – તાલુકા આરોગ્ય અધિકારી, નડિયાદ, જિ. ખેડા
- ડૉ. રાજીવ નયન સરયુપ્રસાદ – મેડિકલ ઓફિસર, સીએચસી-સંખેડા, જિ. છોટાઉદેપુર
- ડૉ. મયંક કેશવલાલ ચૌહાણ – મેડિકલ ઓફિસર, જનરલ હોસ્પિટલ, આણંદ
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ કર્મચારીઓ વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરવાના આક્ષેપો સાબિત થયા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોઈને બક્ષવામાં આવશે નહીં. આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણમાં અસર થાય તેવી આશા સેવાઈ રહી છે. આગામી સમયમાં પણ સરકારનુ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલુ રહેશે.