રાજસ્થાનના કરૌલીમાં બુધવારે સવારે કાર અને બસ વચ્ચે અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતને પગલે લોકોમાં ચીસાચીસ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કરૌલી જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાના જણાવ્યા અનુસાર તમામ મૃતકો એક જ પરિવારના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર કૈલા દેવી મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. બસમાં સવાર 15 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ કારના ઘણા ટુકડા થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો ઈન્દોરના રહેવાસી હતા. તેમની ઓળખ નયન કુમાર દેશમુખ, તેમની પત્ની અનિતા, પુત્રી મનસ્વી, પુત્ર ખુશદેવ અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે થઈ છે. મૃતકોની ઓળખ તેમના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ દ્વારા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર હાલમાં ગુજરાતના વડોદરામાં રહેતો હતો. કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ નીલભ સક્સેના, પોલીસ અધિક્ષક બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય અને એએસપી ગુમનારામ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.