રફાહ પર ઈઝરાયેલની સેનાએ સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. હવે આઈડીએફ ટેન્કોએ રફાહમાં ગર્જના શરૂ કરી દીધી છે. અમેરિકાને ડર છે કે ઈઝરાયેલ તેની ઈચ્છા વિરુદ્ધ રફાહમાં હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાએ ઈઝરાયેલને બોમ્બનો મોટો સપ્લાય અટકાવી દીધો છે.
ગાઝાના સૌથી મહત્વપૂર્ણ શહેર રફાહ પર ઈઝરાયેલની સેનાએ નિયંત્રણ સ્થાપિત કર્યા બાદ અહીં પણ હુમલાની શક્યતા વધી ગઈ છે. ઇઝરાયેલની સેના તેના સહયોગીઓના સૂચનોને અવગણીને પણ હુમલા કરી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાએ ઈઝરાયેલ વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. તેનાથી ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને આંચકો લાગી શકે છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાએ ગત સપ્તાહે ઈઝરાયેલને તેની ઈચ્છા વિરુદ્ધ ગાઝાના રફાહ શહેર પર મોટા પાયે હુમલો કરવાના ઈઝરાયલના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરવા માટે ઈઝરાયેલ મોકલવામાં આવતા બોમ્બના કન્સાઈનમેન્ટને રોકી દીધા છે.
એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે કન્સાઈનમેન્ટમાં 2000 પાઉન્ડ વજનના 1800 બોમ્બ અને 500 પાઉન્ડના 1700 બોમ્બ મોકલવાના હતા. અધિકારીએ કહ્યું કે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આટલી મોટી માત્રામાં વિસ્ફોટકોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઉગ્રવાદી હમાસ દ્વારા ઇઝરાયેલ પર ઘાતક હુમલાના જવાબમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલો શરૂ કર્યો ત્યારથી 1 મિલિયનથી વધુ નાગરિકોએ રફાહમાં આશ્રય લીધો છે.
અમેરિકાના વાંધો છતાં ઇઝરાયલે રફાહ પર હુમલો કરવાની તૈયારી કરી
વ્હાઇટ હાઉસના મહિનાઓથી વાંધો હોવા છતાં, ઇઝરાયેલી સરકારે રફાહ પર હુમલાની તૈયારી કરવાનું ચાલુ રાખ્યું, જે પછી એપ્રિલમાં યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે ઇઝરાયેલને ભાવિ લશ્કરી સહાય મોકલવાની સમીક્ષા કરવાનું શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે બોમ્બના કન્સાઈનમેન્ટને રોકવાનો નિર્ણય ગયા અઠવાડિયે લેવામાં આવ્યો હતો અને નજીકના ભવિષ્યમાં આ કન્સાઈનમેન્ટ ઈઝરાયેલ મોકલવામાં આવશે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.