ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી આ મેચના છેલ્લા દિવસે વરસાદ વિલન બન્યો હતો. આવી સ્થિતિમાં મેચ ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ બીજા સ્થાને છે અને ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે. જો કે ટીમ ઈન્ડિયા હજુ પણ WTC ફાઈનલ રમી શકે છે.
ગાબા ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ. આવી સ્થિતિમાં બંને ટીમોને 4-4 પોઈન્ટ મળ્યા છે. આ પછી, ભારતનો PCT 57.29 થી ઘટીને 55.88 પર આવી ગયો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું PCT પણ 60.71 થી ઘટીને 58.88 થયું છે. વર્તમાન ચક્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2-2 મેચ ડ્રો થઈ છે. દક્ષિણ આફ્રિકા 63.33 ટકા સાથે ટોચ પર છે.
વર્તમાન ચક્રમાં દક્ષિણ આફ્રિકાએ 10માંથી 6 મેચ જીતી છે. ટીમ 3માં હારી છે અને 1 મેચ ડ્રો રહી છે. પ્રોટીઝ ટીમ 76 પોઈન્ટ સાથે ટોપ પર છે. WTC પોઈન્ટ ટ્રબલમાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. કાંગારૂ ટીમે 15માંથી 9 મેચ જીતી છે. ટીમને 4માં હારનો સામનો કરવો પડ્યો છે અને 2 મેચ ડ્રો રહી છે. ટીમ 17માંથી 9 જીત સાથે ત્રીજા સ્થાને છે.
ભારતીય ટીમ હજુ પણ WTC ફાઈનલની રેસમાં છે. આ માટે ભારતે WTC ફાઈનલની બાકીની બંને મેચો જીતવી પડશે. 1 હાર ભારતને આ રેસમાંથી બહાર કરી શકે છે. જો કે, જો ભારતીય ટીમ 1 ટેસ્ટ જીતે અને 1 મેચ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા પાસે ફાઈનલ મેચ રમવાની તક છે. જો ભારતીય ટીમ બાકીની 2 મેચ જીતે છે તો તેના 138 પોઈન્ટ થશે અને ટકાવારી 60.52 થશે. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
જો ભારતીય ટીમ એક મેચ જીતે છે અને 1 મેચ ડ્રો થાય છે તો ટીમના 130 પોઈન્ટ હશે અને ટકાવારી 57.01 થશે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકાને 2-0થી હરાવશે તો તે WTC ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકશે. જો ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ 2-2 થી બરાબર થાય છે, તો ભારતના 126 પોઈન્ટ અને 55.26 પોઈન્ટની ટકાવારી થશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં ઓછામાં ઓછી એક જીત સાથે ભારતને પાછળ છોડી શકે છે.