યુક્રેન સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે રશિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાના પરમાણુ, જૈવિક અને રાસાયણિક સુરક્ષા દળોના વડા લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યાનો મામલો સામે આવ્યો છે. ક્રેમલિન (રાષ્ટ્રપતિ નિવાસસ્થાન) નજીક રાયઝાન્સ્કી પ્રોસ્પેક્ટ પર સ્થિત એક એપાર્ટમેન્ટની બહાર ઇગોરની હત્યા કરવામાં આવી હતી. ઇગોરની હત્યાને રાષ્ટ્રપતિ પુતિન માટે મોટો ફટકો માનવામાં આવે છે. મોસ્કોમાં મંગળવારે એક વિસ્ફોટ થયો હતો, જેમાં ઇગોર સહિત બે લોકો માર્યા ગયા હતા. રશિયાની તપાસ એજન્સીઓ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છુપાવવામાં આવ્યો હતો. કિરીલોવ અને તેનો એક સહાયક વિસ્ફોટનો ભોગ બન્યા હતા. એજન્સીઓ અનુસાર બોમ્બ જાણી જોઈને લગાવવામાં આવ્યો હતો.
આ હુમલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં ઇમારતનો કાટમાળ અને તૂટેલા દરવાજા નજરે પડે છે. લોહીથી લથપથ બરફમાં બે મૃતદેહ પણ દેખાઈ રહ્યા છે. પોલીસ આ વિસ્તારમાં તપાસ કરતી જોવા મળી રહી છે. આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યાં કિરિલોવ પર હુમલો થયો હતો ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન માત્ર 7 કિમી દૂર છે. કિરિલોવને દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રમાં નિશાન બનાવવામાં આવ્યો હતો. કિરિલોવ આ વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઈંગ્લેન્ડે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
યુક્રેને કિરિલોવ પર ગંભીર આરોપ લગાવ્યા હતા
યુકે અનુસાર, કિરિલોવ યુક્રેનમાં રાસાયણિક હુમલાઓ પર નજર રાખી રહ્યો હતો. તેઓ પુતિનના નજીકના અધિકારી ગણાતા હતા. જેમની ક્રેમલિનના ઘણા નિર્ણયોમાં ભૂમિકા હતી. રશિયાના રાસાયણિક, રેડિયોલોજીકલ અને જૈવિક સંરક્ષણ સૈનિકોને RKhBZ તરીકે ઓળખવામાં આવે છે. તે રશિયાનું શક્તિશાળી વિશેષ દળ માનવામાં આવે છે. યુક્રેનની ગુપ્તચર એજન્સી એસબીયુએ એક દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે રશિયા યુક્રેન પર ઘાતક રાસાયણિક હથિયારોથી હુમલો કરી રહ્યું છે. આ માટે જનરલ કિરીલોવ જવાબદાર છે. જો કે રશિયાએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. આવી સ્થિતિમાં કિરિલોવનું મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. હુમલા પાછળ યુક્રેન કે અન્ય કોઈ દેશ છે, આ એંગલની પણ તપાસ થઈ રહી છે?