BCCIએ સુરક્ષાની ચિંતાઓને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. ભારતના આ પગલા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને હાઈબ્રિડ મોડલ અપનાવવાનું સૂચન કર્યું હતું, જેને પાકિસ્તાને સ્વીકાર્યું હતું. હાઇબ્રિડ મોડલ હેઠળ ભારત-પાકિસ્તાનની મેચ ન્યુટ્રલ વેન્યુ એટલે કે દુબઈમાં યોજાશે. જોકે, ટૂર્નામેન્ટને લઈને આઈસીસી તરફથી સત્તાવાર નિર્ણય આવવાનો બાકી છે. હવે આ સમગ્ર મામલે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તનવીર અહેમદનું નિવેદન સામે આવ્યું છે.
તનવીરે પોતાના બોર્ડનું સમર્થન કરતા BCCI અને ICC બંને પર મોટા આરોપો લગાવ્યા અને કહ્યું કે બંને PCB પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓથી ભાગી શકે છે. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે PCB અધ્યક્ષ મોહસિન નકવીને સૂચવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દરેક કામ/કરાર લેખિતમાં હોવો જોઈએ. તેણે વધુમાં કહ્યું કે જ્યારે પીસીબી લેખિત નિવેદન માંગશે ત્યારે બીસીસીઆઈ ભાગી જશે અને પોતાનું સ્ટેન્ડ પાછું ખેંચી લેશે.
BCCI જે પણ નિર્ણય લેશે, ICC તેને સંમત કરશે- તનવીર
તેણે સ્પષ્ટ કહ્યું કે પીસીબી માટે બીસીસીઆઈ અને આઈસીસી બંને સમાન છે અને બીસીસીઆઈ જે પણ નિર્ણય લેશે, આઈસીસી તેને સંમત કરશે. તેણે કહ્યું, ‘તમારે જે કરવું હોય તે લેખિતમાં કરો. BCCI અને ICC બંને સમાન છે. હું બંનેને એક જ શ્રેણીમાં રાખું છું.’ તનવીર અહેમદ માને છે કે ICC દ્વારા અંતિમ નિર્ણય આપવામાં વિલંબ એટલા માટે છે કારણ કે કોઈ લેખિત નિવેદન પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી.
આ ટુર્નામેન્ટ માત્ર હાઇબ્રિડ મોડલમાં જ રમાય તેવી અપેક્ષા છે
છેલ્લા કેટલાક દિવસોમાં આ ટૂર્નામેન્ટને લઈને ઘણા અહેવાલો સામે આવ્યા છે. આ ટુર્નામેન્ટ સંભવતઃ હાઇબ્રિડ મોડલમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં રમાશે. જોકે ICC તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે ભારત પાકિસ્તાનની માંગણીઓ સામે ઝુકશે નહીં.