અમેરિકાના વિસ્કોન્સિનમાં એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. અહેવાલ છે કે સોમવારે એક વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો, જેમાં શિક્ષક સહિત બે લોકોના મોત થયા હતા. ખાસ વાત એ છે કે આ ઘટના ક્રિસમસના એક અઠવાડિયા પહેલા બની હતી. જોકે, અધિકારીઓએ માહિતી આપી છે કે હુમલાખોરનું પણ મોત થયું છે.
એપી ન્યૂઝ સાથે વાત કરતા એક અધિકારીએ માહિતી આપી છે કે ગોળીબાર કરનાર 17 વર્ષનો વિદ્યાર્થી હતો. પોલીસનું કહેવું છે કે અધિકારીઓ પહોંચ્યા ત્યાં સુધીમાં હુમલાખોર પણ મરી ગયો હતો. આ ઘટના એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલમાં બની હતી. મેડિસન પોલીસ ચીફ શોન બાર્ન્સનું કહેવું છે કે હુમલાખોરે શાળામાં શા માટે ગોળીબાર કર્યો તે અત્યારે સ્પષ્ટ નથી.
આ શાળામાં 390 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પોલીસે અગાઉ કુલ પાંચ લોકોના મોતની માહિતી આપી હતી. બાર્ન્સે પત્રકારોને જણાવ્યું હતું કે, “આજનો દિવસ માત્ર મેડિસન માટે જ નહીં પરંતુ આપણા સમગ્ર દેશ માટે દુઃખદ દિવસ છે.” આ ઘટનામાં ઘાયલ ઘણા લોકોની સારવાર પણ ચાલી રહી છે. તેણે કહ્યું કે હુમલાખોરે આત્મહત્યા કરી છે.
તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓનું માનવું છે કે હુમલાખોરે 9mm પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. બાર્ન્સે કહ્યું, ‘મને ખબર ન હતી કે શાળામાં મેટલ ડિટેક્ટર હતા અને ન તો સ્કૂલોમાં મેટલ ડિટેક્ટર હોવા જોઈએ. આ સલામત જગ્યાઓ છે. પોલીસે શાળાની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ દરમિયાન પોલીસ દ્વારા કોઈ ગોળી ચલાવવામાં આવી ન હોવાનું જાણવા મળે છે.