Lok Sabha Election : વડોદરામાં લોકસભા ચૂંટણી માટે ચાલી રહેલા મતદાન વચ્ચે તુલસીવાડી વિસ્તારમાં રહેતા એક મહિલા મતદાર વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે તેમને ખબર પડી હતી કે, તેમના નામનો મત તો અપાઈ ચૂકયો છે.
આ ચોંકાવનારી ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે તુલસીવાડી વિસ્તારના રહેવાસી મંજુલાબેન પરમાર હરણી રોડ પર આવેલા નાગેશ્વર મહાદેવ પાસેના મતદાન મથકમાં વોટિંગ કરવા માટે ગયા હતા. બૂથ પર ફરજ બજાવતા કર્મચારીએ તેમનુ નામ યાદીમાં ચેક કર્યુ ત્યારે ખબર પડી હતી કે, તેમના નામનો મત તો અપાઈ ગયો છે. આવો જવાબ સાંભળીને મંજુલાબેન પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
આવા સંજોગોમાં જેમના નામનો મત બીજા કોઈએ આપી દીધો હોય તેવા મતદારને ટેન્ડર વોટિંગનો અધિકાર મળે છે અને તેમાં મતદારે ફોર્મ ભરવાનુ હોય છે અને એ પછી તેને મત આપવા દેવામાં આવે છે અને ઈવીએમમાં અગાઉ પડેલો મત રદ કરી દેવાય છે. મતદાન મથક પર મંજૂલાબેનને જવાબ મળ્યો હતો કે, તમે સાંજે ટેન્ડર વોટિંગ માટે આવજો.
અન્ય લોકોએ આપેલા માર્ગદર્શનના આધારે તેઓ કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આસિસટન્ટ રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અધિકારીએ તેમને કહ્યુ હતુ કે, તમારે સાંજ સુધી રાહ જોવાની જરુર નથી. તમે મતદાન મથક પર પાછા જાવ. તમને તરત ટેન્ડર વોટિંગ કરવા મળશે. એ પછી મંજુલાબેન મતદાન મથક પર ગયા હતા અને જ્યાં ફરજ પરના સ્ટાફે તેમની પાસે ફોર્મ ભરાવીને તેમને પોસ્ટલ બેલેટથી મત અપાવ્યો હતો.
આમ એક મત આપવા માટે આકરી ગરમીમાં આ મહિલાને અઢી કલાક સુધી અહીંથી તહીં દોડધામ કરવી પડી હતી. જોકે ચોંકાવનારો સવાલ એ પણ છે કે, મંજૂલાબેનના નામે કોણ મતદાન કરી ગયુ અને કેવી રીતે મતદાન કરી ગયુ?કારણકે મતદાન કરતી વખતે મતદારનુ ઓળખપત્ર પણ ચેક કરવામાં આવતુ હોય છે. આ સંજોગોમાં આ કિસ્સાની તપાસ થવી પણ જરુરી બને છે.