ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર માત્ર રાજ્યના વિકાસ માટે જ નહીં પરંતુ રાજ્યને વિશ્વસ્તરીય બનાવવા માટે કાર્યરત છે. આ મિશન અંતર્ગત રાજ્યમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થઈ રહ્યો છે. આ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના ઘણા જૂના રેલવે સ્ટેશનોનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં સુરત રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે. આ રેલવે સ્ટેશનને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની થીમ પર વિકસાવવામાં આવી રહ્યું છે. આ રેલવે સ્ટેશન એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ હશે. હાલમાં રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 25 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
’25 ટકા કામ પૂર્ણ’
રેલ્વે પીઆરઓ વિનીત અભિષેકે કહ્યું કે રેલ્વે સ્ટેશનનું લગભગ 25 ટકા વિકાસ કામ પૂર્ણ થઈ ગયું છે. શરૂઆતમાં વાયર શિફ્ટિંગ સહિતના વિવિધ કામોને કારણે જમીન સંપાદનમાં વિલંબ થયો હતો. પરંતુ હવે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને વર્ષ 2027ના અંત સુધીમાં રેલ્વે સ્ટેશનનું મોટાભાગનું રિડેવલપમેન્ટ કામ પૂર્ણ થઈ જશે. દરમિયાન CITCO DGS જેનીન શાહે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સુરત રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધાને નવી દિશા આપશે. જોકે, હાલમાં પ્લેટફોર્મ પર બ્લોક લેવાનો નિર્ણય રેલવે બોર્ડની મંજૂરી મળ્યા બાદ જ લેવામાં આવશે. આ પ્રોજેક્ટના ખર્ચમાં રેલવે મંત્રાલય 63 ટકા, રાજ્ય સરકાર 24 ટકા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 3 ટકા ફાળો આપશે.
ટ્રેન પાર્સલ ઓફિસ
સુરત રેલવે સ્ટેશન પર ચાર પ્લેટફોર્મ છે. જેમાં વધુ બે પ્લેટફોર્મ ઉમેરાશે. જેમાં એક પ્લેટફોર્મ રેલવે ગુડ્સ યાર્ડ તરફ જ્યારે બીજું પ્લેટફોર્મ પાર્સલ ઓફિસની સામે બનાવવામાં આવશે. સુરત-મુંબઈ વચ્ચેની ટ્રેન રેલવે ગુડ્સ યાર્ડ તરફ બનેલા પ્લેટફોર્મ પરથી દોડશે. જ્યારે વડોદરા અને અમદાવાદ જતી ટ્રેનોને પાર્સલ ઓફિસ પાસે બનાવવામાં આવેલા પ્લેટફોર્મ પરથી દોડાવવામાં આવશે.
વિશાળ સ્ટેશન કેમ્પસ બનાવવામાં આવશે
વરાછા તરફ વિશાળ સ્ટેશન કેમ્પસ બનાવવામાં આવશે. આ માટે પ્લેટફોર્મ નંબર 4 ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પ્લેટફોર્મ નંબર 2 અને 3ની કામગીરી શરૂ કરવામાં આવશે. જે ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. તેમજ કઇ ટ્રેન કયા સ્ટેશનથી ઉપડશે. તેની પણ સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.