રાજ્યમાં વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઠંડીને લઈ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આવતા પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર ભારત પ્રદેશમાંથી ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. મોટાભાગનાં શહેરમાં 10 થી 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. હજુ પણ ઠંડી યથાવત રહેશે. એક દિવસ પહેલાની સામે 2 ડીગ્રી તાપમાન વધ્યું પણ પવનનાં કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 7 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં ઠંડુગાર છે.
નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે સોમવારે ગુજરાતમાં 7.6 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 7.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.3 ડિ્ગરી, મહુવામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો ગગડ્યો
અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આ બે શહેરોમાં સોમવારના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધ્યું હતું. ભાર ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા હતા. અને વહેલી સવારે રસ્તાઓ ઉપર ધુમ્મસ પણ દેખાયા છે.
આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી
ગુજરાતમાં શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગે પણ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો એકદમ નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.
કોલ્ડ વેવથી બચવા શું કરવું
હવામાન ખાતાની કોલ્ડ વેવની આગાહી દરમિયાન ઠંડીથી બચવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં રહેવું. ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ, બિમાર વ્યકિતઓ, નાના બાળકો અને સગર્ભા મહીલાઓએ શકય હોય ત્યાં સુધી ધરમાં જ રહેવું તથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું.
હિમાલયથી આવતા પવનો સીધા ગુજરાતમાં આવે છે
જ્યારે શિયાળો આવે છે ત્યારે રશિયા અને ચાઈનાથી જે હવા આવે છે તે હિમાલયમાં ભટકાય છે.જો હિમાલય ના હોય તો ત્યાંથી આવતી હવાઓ સીધી કચ્છ અને અરેબિયન સીથી અનુભવાત.પરંતુ હિમાલય છે તે અવરોધ રૂપે આવી જતા તે હવાઓ હિમાલયને ક્રોસ ના કરી શકે તેથી હિમાલયમાં ઠંડા પ્રદેશો બને છે.હિમાલયનો પ્રદેશ એકદમ ઠંડો થાય છે અને અરેબિયન સી નો વિસ્તાર છે તે ગરમ હોય છે.હિમાલયથી હવાને નજીકમાં નજીક પહોંચવું હોય તો તે એક ગુજરાતનો જ વિસ્તાર છે.ઠંડી હવા હિમાલય ક્રોસ કરીને રાજસ્થાન થઈને થાર રણ થઈને તે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવે છે. ઠંડા પ્રદેશથી ઠંડી હવા જ્યારે ગરમ પ્રદેશ તરફ જાય છે.જમ્મુ કાશ્મીર તરફથી આવતા ઠંડા પવનો મધ્યપ્રદેશ વિસ્તારમાં પર્વતો હોવાથી ત્યાંથી હવા ક્રોસ નથી થતી.