Lok Sabha Election : લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 લોકસભા સીટ ઉપર થઈ રહેલા મતદાનને લઈ રાજ્યના મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થઇ રહ્યું છે. ગુજરાતના 24 હજાર મતદાન મથકો પર વેબકાસ્ટિંગથી નજર રખાઇ રહી છે. રાજ્યના 50માંથી 25 હજાર બૂથ પર વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. મહત્વનું છે કે, મતદાન મથક પર ભીડ કે અવ્યવસ્થા થાય તો ફરિયાદ કરાય છે. વિગતો મુજબ ફરિયાદ શાખામાં હજી સુધી 18 ફરિયાદો મળી છે. જૂનાગઢમાં મતદાન કરી વ્યક્તિએ ફોટો વાયરલ કરતાં ફરિયાદ મળતા વ્યક્તિ સામે ગુપ્તતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. આ સાથે ફરિયાદોને લઇ ચૂંટણીપંચે તપાસ શરૂ કરી છે. આ તરફ રાજ્ય કક્ષાની જેમ જિલ્લા કક્ષાએ મોનિટરિંગ થઇ રહ્યું છે.
લોકસભા ચૂંટણીને લઈ રાજ્યના 24 હજાર 893 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થઇ રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકોની સમીક્ષા કરાઇ રહી છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા વેબકાસ્ટિંગ સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે. મહત્વનું છે કે, ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતનાં 50 હજાર બૂથ પૈકી 25 હજાર બૂથ પર વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત છે.
જૂનાગઢમાં નોંધાઈ સિક્રસી ભંગની ફરિયાદ
વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકો પર બહુ ભીડ થાય કે અવ્યવસ્થા થાય તો તેને રીપોર્ટ કરવામાં આવે છે. ફરિયાદ શાખામાં 18 ફરિયાદો મળી છે. આ સાથે નાની-મોટી EVM ખોટકાવાની અને નામ નહી હોવાની ફરિયાદ થઈ છે. આ તરફ કોઈ વ્યક્તિએ જૂનાગઢમાં મતદાન કરી ફોટો વાયરલ કરે છે જેની ફરિયાદ મળતા જૂનાગઢમાં સિક્રસી ભંગની ફરિયાદ નોંધાઈ છે. ઉમેદવારને મત આપતા ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. મતદાન કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છતાં ફોટો વાયરલ થતા ફરિયાદ થઈ છે. આ તરફ હવે ફરિયાદ ને લઈ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.
ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરી રહ્યું છે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત છે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ મોનિટરિંગ રૂમમાં આશરે 90 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ તા. 7 મે ના રોજ સવારે 5.30 વાગ્યાથી શરૂ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.