આ વખતે IPL 2025ની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ રકમ મળી હતી. પંજાબે હરાજીમાં ઘણા સારા ખેલાડીઓ ખરીદ્યા હતા, જેમાં તેનો સૌથી મોંઘો ખેલાડી KKRના પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર હતો. અય્યરને પંજાબે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય પંજાબે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પણ ખરીદ્યો છે, જે છેલ્લા ત્રણ સિઝનથી લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. હવે સ્ટોઈનિસને બિગ બેશ લીગમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ગ્લેન મેક્સવેલની જગ્યાએ સ્ટોઈનિસ કેપ્ટન બનશે
મેલબોર્ન સ્ટાર્સે બિગ બેશ લીગમાં માર્કસ સ્ટોઈનિસને તેમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. જે બાદ ટીમને આશા છે કે વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર ચાર સિઝન બાદ પ્રથમ વખત ટીમને ફાઈનલમાં લઈ જશે. સ્ટોઇનિસ લાંબા સમયથી મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમી રહ્યો છે અને હવે તે ગ્લેન મેક્સવેલનું સ્થાન લેશે. ગત સિઝનમાં ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. આ સિવાય મેક્સવેલ પણ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. જેના કારણે મેલબોર્ન સ્ટાર્સે આ મોટો નિર્ણય લીધો છે.
સુકાનીપદ મળ્યા બાદ સ્ટોઇનિસે શું કહ્યું?
BBLની નવી સીઝન માટે મેલબોર્ન સ્ટાર્સની કેપ્ટનશીપ મળ્યા બાદ માર્કસ સ્ટોઈનિસે કહ્યું કે, ગયા વર્ષે મેક્સવેલની ગેરહાજરીમાં મને ટીમની કેપ્ટનશીપ કરવાનો થોડો અનુભવ હતો અને મને આ તક ખૂબ જ ગમી. “મને વિશ્વાસ છે કે અમે આ સિઝનમાં, મેદાનની અંદર અને બહાર જે ટીમ બનાવી છે, અમે ક્લબને લાંબા સમયથી રાહ જોવાતી સફળતા અપાવી શકીશું.”
મેક્સવેલનો કેપ્ટનશિપનો રેકોર્ડ
ગ્લેન મેક્સવેલે બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ માટે 65 મેચ રમી છે. જેમાં ટીમ 34 જીતી છે અને 30 મેચ હારી છે. બીજી તરફ મેક્સવેલની ગેરહાજરીમાં સ્ટોઇનિસે એક એવી મેચમાં કેપ્ટનશિપ કરી હતી જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, બિગ બેશ લીગની નવી સીઝન 15 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન પ્રથમ મેચ મેલબોર્ન સ્ટાર્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે રમાશે.