ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં ODI શ્રેણી રમી રહી છે, પરંતુ તે ટીમ માટે બેન્ચ સ્ટ્રેન્થ ભારતમાં તૈયાર કરવામાં આવી રહી છે. વરિષ્ઠ મહિલા ODI ટ્રોફી હાલમાં ભારતમાં રમાઈ રહી છે. 18 વર્ષની નીલમ ભારદ્વાજે આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. તે સૌથી નાની ઉંમરે લિસ્ટ A ODI મેચમાં બેવડી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે ઉત્તરાખંડની ટીમ માટે તોફાની બેવડી સદી ફટકારી હતી.
નીલમ ભારદ્વાજે પોતાની બેવડી સદી સુધી પહોંચવા માટે 27 ચોગ્ગા અને 2 છગ્ગાનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તેણે બાઉન્ડ્રી દ્વારા પોતાની ઇનિંગમાં 100થી વધુ રન ઉમેર્યા. નીલમની આ ઇનિંગના આધારે ઉત્તરાખંડની ટીમે 371/1નો સ્કોર બનાવ્યો હતો, પરંતુ નાગાલેન્ડની ટીમ આ વિશાળ સ્કોરનો પીછો કરતાં માત્ર 112 રન જ બનાવી શકી હતી. આ રીતે ઉત્તરાખંડની ટીમને 259 રનની જોરદાર જીત મળી હતી. પ્લેયર ઓફ ધ મેચ નીલમ ભારદ્વાજ રહી હતી.
નીલમ ભારદ્વાજે પોતાની તોફાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે અને તે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર દેશની કેટલીક મહિલા ક્રિકેટરોમાંથી એક બની ગઈ છે. નીલમ ભારદ્વાજની આ સિદ્ધિ ભારતીય મહિલા ક્રિકેટના સંદર્ભમાં ઘણી મહત્વની છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં શ્વેતા સેહરાવત લિસ્ટ A મેચમાં બેવડી સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેણે દિલ્હી માટે 150 બોલમાં 242 રન બનાવ્યા હતા.
જોકે, અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ક્રિકેટર આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવામાં સફળ રહી નથી. મિતાલી રાજે ચોક્કસપણે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે બેવડી સદી ફટકારી છે. તેણે 2002માં ઈંગ્લેન્ડ સામે 214 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. સ્મૃતિ મંધાનાએ અંડર-19 ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. તેણે 2013-14માં ગુજરાત અંડર-19 સામે મહારાષ્ટ્ર અંડર-19 માટે 224 રનની અણનમ ઇનિંગ રમી હતી.