Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાતની 25 લોકસભા સીટ પર પહેલા 2 કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું હતું. જ્યારે બનાસકાંઠામાં સૌથી વધુ 12.28% અને અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 7.23% મતદાન થયું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યુ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ. મતદાન પહેલા તેઓ વડાપ્રધાન મોદી સાથે રાણિપમાં હાજર રહ્યાં હતાં.કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ મત આપ્યો હતો.નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં મતદાન કર્યુ . સાથે તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 150થી વધુ લોકો સાથે મત આપવા માટે શિલજ પહોંચ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ શિલજમાં મતદાન કર્યું હતું.
મતદાન બાદ રેખાબેન ચૌધરીનું નિવેદન
બનાસકાંઠા બેઠકના ભાજપ ઉમેદવાર રેખાબેન પોતાના માતા-પિતાના આશિર્વાદ લઇ મતદાન કરવા પહોંચ્યાં હતાં. રેખાબેન સાથે પાલનપુરના ધારાસભ્યએ પણ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું. મતદાનને લઇ જિલ્લામાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા મતદાન ટકાવારી
- વાવ :- 14.43
- થરાદ :- 14.65
- ધાનેરા :- 05.95
- દાંતા :- 15.21
- પાલનપુર :- 11.19
- ડીસા :- 10.37
- દિયોદર :- 14.55
કુલ મતદાન :-
સમય :- 7:00 થી 9:00 સુધી :- 12.28
NDA 400થી વધુ સીટ પર જીત મેળવી સરકાર બનાવશેઃ રૂપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભારે બહુમતી સાથે તમામ 25 બેઠકો પર ભાજપની જીત થશે. દેશમાં અબકી બાર 400 પારનો નારો સાકાર થશે. NDA 400થી વધુ સીટ પર જીત મેળવી સરકાર બનાવશે. આંદોલનની કોઈ અસર જોવા નહિ મળે. કોળી સમાજ, ક્ષત્રિય સમાજ તમામ સમાજના લોકો ભાજપ સાથે છે. પુરુષોત્તમ રૂપાલા ભારે બહુમતીથી જીત મેળવશે.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અમરેલીથી મતદાન કર્યું હતું. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન રૂપાણી સાથે રાજકોટમાં અનિલ જ્ઞાન મંદિર ખાતે મત આપ્યો હતો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ પરિવાર સાથે મત આપ્યો હતો.ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ હરિહર કોમ્યુનિટી હોલ ખાતે મત આપ્યો હતો અને લોકોને મત આપવા અપીલ કરી હતી.
જનતાએ મોદી મોદીના નારા લાગાવ્યા હતાં
અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં વડાપ્રધાન મોદી વોટિંગ કરવા આવ્યા હતા. તેમણે કેસરી કોટી પહેરી હતી. તેમની સાથે અમિત શાહ પણ હતા. તેઓ લગભગ અડધો કિલો મીટર ચાલીને મતદાન કરવા આવ્યા હતા. રસ્તાની બન્ને બાજુ ઉભેલી જનતાએ મોદી મોદીના નારા લાગાવ્યા હતાં.લોકશાહીમાં મતદાન એ સામાન્ય દાન નથી. દેશવાસીઓ વધુમાં વધુ મતદાન કરે. આજે લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. તમને તમામને ખૂબ ખૂબ શુભકામના.
અહીં મતદાન સમયે EVM ખોટકાયું
મતદાન શરૂ થયા બાદ થોડીવારમાં જ ભાવનગર શહેરની શહેરની મિલિટરી સોસાયટીની સરકારી શાળામાં બુથ નંબર 225 પર EVM ખોટકાતા અડધા કલાકથી વધુ સમય મતદાન રોકાયું હતું.અમદાવાદમાં ક્રષ્ણનગર ખાતેની પ્રકાશ હિન્દી સ્કૂલમાં EVM મશીન ખોટકાયું. લીંબડી પ્રાથમિક શાળા નંબર 4માં ઇવીએમ મશીન બંધ થતાં મતદાન અટક્યું હતું. ઇવીએમ મશીન બંધ થતાં અંદાજે 30 મિનિટ મતદાન બંધ રહ્યું હતું. ઇવીએમ મશીન બંધ થતાં તાત્કાલિક લીંબડી પ્રાંત અધિકારી પહોંચ્યા હતા. અંદાજે અડધો કલાક મતદાન બંધ રહ્યાં બાદ મતદાન ફરી રાબેતા મુજબ શરૂ થયું હતું.
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મતદાન કર્યું હતું.રાજકોટના શહેર પ્રમુખ મુકેશ દોશીએ પણ પત્ની સાથે મત આપ્યો હતો.કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ અમરાપુર-વિંછીયા ખાતેથી મતદાન કર્યું હતું.
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ વહેલી સવારે મત આપ્યો હતો. જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવાર જે. પી.મારવીયા એ મતદાન કર્યું હતું.
25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ થશે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાયો છે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.