બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર કથિત અત્યાચારો સામે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા. કોલકાતા, કાંથી, કાકદ્વીપ, સંદેશકાલી અને પુરુલિયામાં હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા આયોજિત રેલીઓમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનોમાં લોકોએ હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરવાની પણ માંગ કરી હતી.
કોલકાતામાં સોલ્ટ લેક ઈન્ટરનેશનલ બસ ટર્મિનસ પાસે વિરોધમાં લોકોએ બાંગ્લાદેશની જમદાની સાડીઓ સળગાવી. તેમણે બાંગ્લાદેશી ચીજવસ્તુઓના બહિષ્કારનું આહ્વાન કર્યું હતું અને ચેતવણી આપી હતી કે જો ત્રિરંગાનું અપમાન અને હિંદુઓ પર હુમલા ચાલુ રહેશે તો ભારતના લોકો ચૂપ નહીં બેસે.
બાંગ્લાદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ
એક પ્રદર્શનકારીએ કહ્યું, અમે બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવા અને ભારત વિરોધી નફરતના નિવેદનો ફેલાવવાની સખત નિંદા કરીએ છીએ. અમે ચૂપ બેસીશું નહીં. તેથી, આ સાડીઓને બાળીને અમે બાંગ્લાદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છીએ. અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું, આ કેવું બાંગ્લાદેશ છે? 1971ની આઝાદીની લડાઈમાં લડનારાઓ હવે તેમની ઐતિહાસિક વારસાને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુભેન્દુ અધિકારીએ કાંઠીમાં વિરોધ રેલીનું નેતૃત્વ કર્યું હતું
કાંઠીમાં યોજાયેલી વિરોધ રેલીનું નેતૃત્વ રાજ્યના વિપક્ષી નેતા સુભેન્દુ અધિકારીએ કર્યું હતું. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશની કટ્ટરવાદી શક્તિઓ સામે તમામ સનાતનીઓ એક થઈ ગયા છે. તેમણે કહ્યું કે, ત્યાંના કટ્ટરપંથીઓ હવે 1971માં બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં 30 હજારથી વધુ ભારતીયોની શહાદતને ભૂલી ગયા છે. આજની રેલી સરહદ પારના તત્વોને આવી નફરતભરી ભાષણ બંધ કરવાની ચેતવણી છે. અધિકારીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને યુએન માર્ગદર્શિકાને અનુસરીને યોગ્ય પગલાં લેશે.