કેન્દ્રીય કેબિનેટે દિલ્હી મેટ્રોના ફેઝ-4 પ્રોજેક્ટના 26.463 કિમી રિથાલા-નરેલા-નાથુપુર (કુંડલી) કોરિડોરને મંજૂરી આપી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો. તેનાથી દિલ્હી અને પડોશી હરિયાણા વચ્ચે કનેક્ટિવિટી સુધરશે. કોરિડોરને મંજૂરીની તારીખથી લગભગ 4 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ રૂ. 6,230 કરોડમાં પૂર્ણ થશે.
કનેક્ટિવિટીને બૂસ્ટ મળશે
આ શહીદ સ્થળ (નવું બસ સ્ટેન્ડ) – રીઠાલા (રેડ લાઇન) કોરિડોરનું વિસ્તરણ કરશે. ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર-પશ્ચિમ ભાગો જેવા કે નરેલા, બવાના, રોહિણીના કેટલાક ભાગો વગેરેમાં કનેક્ટિવિટીને વેગ મળશે. તેમાં 21 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે અને કોરિડોરના તમામ સ્ટેશનોને એલિવેટેડ બનાવવામાં આવશે. આ રીઠાલા-નરેલા-નાથુપુર કોરિડોર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શહીદ સ્થળ નવા બસ અડ્ડા સ્ટેશનને દિલ્હી થઈને હરિયાણાના નાથુપુર સાથે પણ જોડશે. આનાથી સમગ્ર દિલ્હી ક્ષેત્રમાં કનેક્ટિવિટીને ખૂબ જ પ્રોત્સાહન મળશે.
કયા 21 મેટ્રો સ્ટેશન?
ફેઝ-4 પ્રોજેક્ટનો આ નવો કોરિડોર એનસીઆરમાં દિલ્હી મેટ્રો નેટવર્કનું વિસ્તરણ કરશે. ઉપરાંત, આનાથી અર્થતંત્રને પણ વેગ મળશે. રેડ લાઇનના આ વિસ્તરણ સાથે, રસ્તાઓ પર ભીડ ઓછી થશે અને વાહનોને કારણે થતા પ્રદૂષણમાં ઘટાડો થશે. આ સમગ્ર વિભાગમાં 21 સ્ટેશનો સામેલ હશે. આ કોરિડોર પર સ્ટેશનો બાંધવામાં આવશે – રીઠાલા, રોહિણી સેક્ટર 31, રોહિણી સેક્ટર 32, રોહિણી સેક્ટર 36, બરવાળા, બવાના ઈન્ડસ્ટ્રીયલ એરિયા – 1 સેક્ટર 3,4, રોહિણી સેક્ટર 35, રોહિણી સેક્ટર 26, રોહિણી સેક્ટર 25, રોહિણી સેક્ટર 34, રોહિણી સેક્ટર 25 બવાના ઈન્ડસ્ટ્રીયલ એરિયા – 1 સેક્ટર 1,2, બવાના જેજે કોલોની, સનોથ, ન્યુ સનોથ, ડેપો સ્ટેશન, ભોરગઢ ગામ, અણજ મંડી નરેલા, નરેલા ડીડીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નરેલા, નરેલા સેક્ટર 5, કુંડલી અને નાથપુર.
આ કોરિડોર હરિયાણામાં દિલ્હી મેટ્રોનું ચોથું વિસ્તરણ હશે. હાલમાં, દિલ્હી મેટ્રો હરિયાણાના ગુરુગ્રામ, બલ્લભગઢ અને બહાદુરગઢ સુધી ચાલે છે. હાલમાં તબક્કો-4 (3 પ્રાયોરિટી કોરિડોર) નું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં 65.202 કિમી રૂટ અને 45 સ્ટેશનનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 56% થી વધુ કામ પૂર્ણ થયું છે. જેને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું કામ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ ઉપરાંત 20.762 કિલોમીટરના વધુ બે કોરિડોરને પણ મંજૂરી આપવામાં આવી છે.