સવારનો નાસ્તો એ આપણા રોજિંદા આહારનું એક એવું ભોજન છે, જેને ટાળવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સવારનો નાસ્તો હેલ્ધી અને હેવી હોવો જોઈએ, જેથી દિવસભર એનર્જી રહે. સ્વસ્થ રહેવા માટે સ્ત્રી અને પુરૂષ બંનેને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ અને પુરુષોના બ્રેકફાસ્ટ ડાયટમાં ફરક હોય છે. ચાલો જાણીએ આનું કારણ.
ચયાપચયમાં તફાવત
ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ક્લાઉડનાઈન ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ, બેંગલુરુના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ સુસ્મિતા એન. અનુસાર, પુરુષો અને સ્ત્રીઓનું ચયાપચય અલગ છે. બંને હોર્મોન્સ અને આનુવંશિકતા દ્વારા પણ અલગ પડે છે. પુરૂષનો આહાર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોવો જોઈએ. સાથે જ મહિલાઓના આહારમાં ચરબી હોવી જરૂરી છે.
1. ઊર્જા અને સ્નાયુઓ માટે પ્રોટીન
પુરુષોના શરીરમાં સ્ત્રીઓ કરતાં વધુ સ્નાયુઓ અને વજન હોય છે. સ્નાયુઓને જાળવવા અને વૃદ્ધિ કરવા માટે આહારમાં વધુ પ્રોટીન હોવું જરૂરી છે. તેથી નાસ્તામાં ઈંડા, દહીં, બદામ, ચિકન અથવા ચીઝનો સમાવેશ કરવો જોઈએ.
2. ચયાપચય અને કેલરીની માત્રા
પુરુષોનું ચયાપચય સામાન્ય રીતે સ્ત્રીઓ કરતા વધુ મજબૂત હોય છે, જેના કારણે તેમના શરીરને વધુ કેલરીની જરૂર પડે છે. તેથી, પુરૂષો માટે તેમના નાસ્તામાં પુષ્કળ પ્રમાણમાં કેલરી હોવી જરૂરી છે જેથી તેમનું શરીર દિવસભર ઉર્જાવાન રહે.
3. હોર્મોનલ સંતુલન
પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સતત ઉપર-નીચે જતું રહે છે. આવી સ્થિતિમાં, હેલ્ધી નાસ્તો કરવાથી તેમના હોર્મોનલ અસંતુલનને સંતુલિત રાખવામાં મદદ મળે છે. ઝિંક અને મેગ્નેશિયમ જેવા ખનિજો પુરુષોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
4. માનસિક સ્વાસ્થ્ય
પુરુષોને ધ્યાન અને સારી યાદશક્તિ માટે સારા પોષણની જરૂર હોય છે, ખાસ કરીને જ્યારે માનસિક રીતે પડકારરૂપ કાર્યોમાં રોકાયેલા હોય. નાસ્તામાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામીન B-12 વાળા ખોરાકનો સમાવેશ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
5. વજન વ્યવસ્થાપન
જો પુરૂષો વજન ઘટાડવા અથવા વજન નિયંત્રણ માટે પ્રયાસ કરી રહ્યા છે, તો તેમને સંતુલિત ભોજનની જરૂર છે. ફાઈબરથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વધારે ખાવાની તૃષ્ણા ઓછી થાય છે.
સ્ત્રીઓનો આહાર કેવો હોવો જોઈએ?
સામાન્ય રીતે, સ્ત્રીઓએ મેનોપોઝ પછી વધુ સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક ખાવાની જરૂર હોય છે. કારણ કે, આ સ્ટેજ પછી મહિલાઓ માટે રોગોનું જોખમ વધી જાય છે. મેનોપોઝ પછી હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે, જેને નિયંત્રિત કરવા માટે તેમણે એવોકાડો, બદામ અને ઓટ્સ ખાવા જોઈએ.