મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની હાર બાદ કોંગ્રેસમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપવાની ઓફર કરી છે. આ અંગે કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું કે મને આ અંગે મીડિયા દ્વારા જાણ થઈ. મેં આ અંગે પાર્ટી હાઈકમાન્ડ સાથે કોઈ વાત કરી નથી. હું આ વિશે વધુ માહિતી મેળવીશ.
તેમણે કહ્યું કે અદાણીનો મુદ્દો ઘણો મોટો છે. ચાલો જોઈએ મહારાષ્ટ્રમાં શું થાય છે? અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. લોકો કહી રહ્યા છે કે EVMએ મહાયુતિને વિજયી બનાવ્યો છે. તેનું વિશ્લેષણ કરવામાં આવશે.
નાના પટોલે દિલ્હી પહોંચ્યા, ચૂંટણીમાં ધાંધલ ધમાલનો આરોપ
આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. પટોલેએ કહ્યું કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી. અમારા તમામ નેતાઓ ચૂંટણી મેદાનમાં હતા. અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પણ પુરી તાકાતથી કામે લાગ્યા હતા. ચૂંટણીના પરિણામો મહાવિકાસ અઘાડીની તરફેણમાં આવશે તેવી દરેકને અપેક્ષા હતી.
તેમણે કહ્યું કે નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં અમારા ઉમેદવારો જીત્યા પરંતુ અમારા તમામ વિધાનસભા ઉમેદવારો હારી ગયા. આવો તફાવત કેવી રીતે હોઈ શકે? લોકો સોશિયલ મીડિયા પર એમ પણ કહી રહ્યા છે કે આ સરકાર તેમના વોટથી નથી બની. આ અમારી સૌથી મોટી ચિંતા છે. હું રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા આવ્યો છું. અમે પણ ચિંતિત છીએ કારણ કે અમને રાજ્યભરમાંથી ફોન આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ ખોટું છે અને લોકશાહી માટે સારું નથી.
કોંગ્રેસ માંડ માંડ બે આંકડા સુધી પહોંચી
કોંગ્રેસ ચૂંટણીમાં માંડ માંડ બે આંકડા સુધી પહોંચી શકી છે. તેને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. નાના પટોલેએ ખુદ ભંડારા જિલ્લાની સાકોલી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. પટોલે સાકોલી સીટથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમ છતાં તેમને આ બેઠક પરથી જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. તેઓ માત્ર 208 મતોની સરસાઈથી જીત્યા હતા.