Pakistan News: શુક્રવારે, એક પેસેન્જર બસ પહાડી વિસ્તારમાંથી લપસીને ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં કોતરમાં પડી હતી, જેમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં કારાકોરમ હાઇવે પર બની હતી. બસ રાવલપિંડીથી હુંઝા જઈ રહી હતી. આ દરમિયાન ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે બચાવ પ્રયાસો ચાલુ છે
અધિકારીએ જણાવ્યું કે બસમાં કેટલા મુસાફરો હતા તે સ્પષ્ટ નથી. આ ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 15 લોકોને ચિલાસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.અધિકારીએ જણાવ્યું કે બચાવ પ્રયાસો ચાલુ છે અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. સૂત્રએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે.
ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે
ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી હાજી ગુલબર ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે જણાવ્યું હતું કે અકસ્માત બાદ ચિલાસ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.