Rahul Gandhi: પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયો કેસ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, કર્ણાટકનો સૌથી મોટો મુદ્દો રેવન્ના કેસ છે. જે વ્યક્તિએ 400 મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેને પીએમ મોદીએ સમર્થન આપ્યું હતું. સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ અને મહિલાઓની માફી માંગવી જોઈએ.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પાસે માફીની માંગ કરી છે
રાહુલ ગાંધીએ લોકોને પ્રજ્વલની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માફી માંગવાની પણ માંગ કરી હતી. શિવમોગામાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે એક ઘોર દુર્વ્યવહાર કરનારની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવા બદલ ભારતની મહિલાઓની માફી માંગવી જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, “વડાપ્રધાને દેશની માતાઓ અને બહેનોની માફી માંગવી જોઈએ. પ્રજ્વલ રેવન્નાએ 400 મહિલાઓ પર બળાત્કાર કર્યો છે અને તેનો વીડિયો બનાવ્યો છે. આ કોઈ સેક્સ સ્કેન્ડલ નથી પરંતુ મોટા પાયે બળાત્કાર છે. વડા પ્રધાને કર્ણાટકમાં મંચ પરથી એક ગંભીર ગુનેગારને ટેકો આપ્યો હતો. મોદીએ કર્ણાટકમાં કહ્યું કે જો તમે બળાત્કારીની તરફેણમાં વોટ કરશો તો તે મને મદદ કરશે.
મામલો શું છે
હકીકતમાં, પૂર્વ વડાપ્રધાન અને JDSના વરિષ્ઠ નેતા એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના પર મહિલાઓના યૌન શોષણના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. તાજેતરના સમયમાં 33 વર્ષીય હસન એમપી પ્રજ્વાલ સાથે કથિત રીતે સંબંધિત કેટલાય અશ્લીલ વીડિયો અને તસવીરો વાયરલ થયા છે. પ્રજ્વલ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના હસન લોકસભા સીટ પરથી ઉમેદવાર છે જ્યાં 26 એપ્રિલે મતદાન થયું હતું. ભાજપ અને જનતા દળ સેક્યુલર (જેડીએસ)એ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગઠબંધન કર્યું હતું.