પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI) દ્વારા ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ખાને જનતાને “ગુલામીની બેડીઓ તોડવા” માટે એક થવા હાકલ કરી છે. પાકિસ્તાન સરકારે શનિવારે ઈસ્લામાબાદમાં પીટીઆઈના વિરોધને રોકવા માટે રાષ્ટ્રીય રાજધાની તરફ જતા હાઈવે બંધ કરી દીધા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓને આંશિક રીતે સ્થગિત કરી દીધી અને જાહેર પરિવહનને અટકાવી દીધું અને કન્ટેનર ઉભા કરીને મહત્વના રસ્તાઓને અવરોધિત કર્યા.
આ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પીટીઆઈ નેતૃત્વએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે વિરોધ પ્રદર્શન આયોજન મુજબ રવિવારે યોજવામાં આવશે અને ઉદ્દેશ્ય સિદ્ધ થાય તે પહેલાં તેને મુલતવી રાખવામાં આવશે નહીં કે સમાપ્ત કરવામાં આવશે નહીં. જિયો ન્યૂઝના સમાચાર અનુસાર, પીટીઆઈના નેતાઓએ રવિવારે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાનના આવાસ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં વિરોધની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીન ગાંડાપુરે જણાવ્યું હતું કે તેઓ પ્રસ્તાવિત વિરોધની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બપોરે 3 વાગ્યે સ્વાબી પહોંચશે અને ઇસ્લામાબાદ તરફ પાર્ટીની કૂચનું નેતૃત્વ કરશે.
મુખ્યમંત્રીએ કૂચમાં જોડાવા ઇચ્છુક પક્ષના કાર્યકરોને બપોરે 3 વાગ્યા સુધીમાં સ્વાબી પહોંચવાનો નિર્દેશ પણ આપ્યો છે. પીટીઆઈ બે મહિનામાં બીજી વખત વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. વિરોધને સ્થગિત કરવાના સરકારના આહ્વાનને અવગણીને પાર્ટીએ ઈસ્લામાબાદ તરફ આગળ વધવાની જાહેરાત કરી છે. તે જ સમયે, અધિકારીઓએ આ પ્રદર્શન દરમિયાન સંભવિત જોખમની ચેતવણી જારી કરી છે. ઈમરાન ખાનની પાર્ટીએ ગત સપ્તાહે પોતાની ત્રણ માંગણીઓ માટે ઈસ્લામાબાદ સુધી લોંગ માર્ચની જાહેરાત કરી હતી. પાર્ટી જેલમાં બંધ ખાન અને અન્ય નેતાઓને મુક્ત કરવાની, 8 ફેબ્રુઆરીની ચૂંટણીમાં પીટીઆઈની જીતને માન્યતા આપવા અને 26માં બંધારણીય સુધારાને રદ કરવાની માંગ કરી રહી છે.
26માં બંધારણીય સુધારાએ ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કર્યો. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ‘એક્સપ્રેસ ન્યૂઝ ટીવી’ના સમાચાર અનુસાર, નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટી (NACTA) એ ઈસ્લામાબાદમાં પીટીઆઈના પ્રદર્શન દરમિયાન સંભવિત આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પીટીઆઈની જાહેર સભાને આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે. ઈસ્લામાબાદમાં 18 નવેમ્બરથી કલમ 144 લાગુ છે, જેના હેઠળ લોકો એકઠા થઈ શકતા નથી. બીજી તરફ, પંજાબ સરકારે પણ સમગ્ર પ્રાંતમાં 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે, જે અંતર્ગત વિરોધ પ્રદર્શન, જાહેર સભાઓ, રેલીઓ અને ધરણાં પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કડક સુરક્ષા અને નિયંત્રણો હોવા છતાં, પીટીઆઈ તેની માંગણીઓ માટે વિરોધ કરવા પર અડગ છે.