IPL 2025ની મેગા ઓક્શનમાં રિષભ પંતની લોટરી લાગી છે. પંતના નામ પર ઘણી બોલી લાગી અને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે આ હરાજીમાં શ્રેયસ અય્યરનો રેકોર્ડ તોડ્યો છે. પંજાબ કિંગ્સે શ્રેયસ માટે રૂ. 26.75 કરોડની બોલી લગાવી હતી. પંત હવે IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે.
પંતની લોટરી
હરાજીના ટેબલ પર રિષભ પંતનું નામ આવતા જ રૂમમાં ભારે હોબાળો મચી ગયો હતો. આરસીબી અને પંજાબ કિંગ્સે શરૂઆતમાં પંત માટે બોલી લગાવી હતી. બંને ટીમો વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો. આ પછી લખનૌ સુપર જાયન્ટ્સ એક્શનમાં આવી અને પંત માટે સતત બોલી લગાવી. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ ભારતીય વિકેટકીપરને મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે પંત માટે 19.75 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી, ત્યારબાદ દિલ્હી કેપિટલ્સને રાઈટ ટુ મેચ કાર્ડ વિશે પૂછવામાં આવ્યું. દિલ્હીએ પંત માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જો કે, લખનૌએ પંત માટે રૂ. 27 કરોડની બોલી લગાવી, જેના પછી દિલ્હીએ પીછેહઠ કરી.
લખનઉ કેપ્ટનશીપ સોંપી શકે છે
IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની કપ્તાની રિષભ પંતને સોંપી શકે છે. આ વખતે લખનૌએ ગત સિઝન સુધી ટીમનું નેતૃત્વ કરનાર કેએલ રાહુલને જાળવી રાખ્યો નથી, જેના કારણે ટીમ હરાજીમાં કેપ્ટનની શોધમાં હતી. પંતે IPLમાં ત્રણ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે અને તેની પાસે ઘણો અનુભવ છે. આ સાથે પંત પોતાની વિસ્ફોટક બેટિંગથી લખનૌને પહેલીવાર IPLનો ખિતાબ અપાવી શકે છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ મેગા ઓક્શન પહેલા દિલ્હીએ પંતને રિલીઝ કરી દીધો હતો. લાંબા સમય બાદ હરાજીમાં ઉતરેલા પંત પર મોટી રકમનો વરસાદ થયો હતો.