પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે પાકિસ્તાનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જે બાદ સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઈસ્લામાબાદમાં લોકડાઉન લાદી દીધું છે. અહીં સેના અને પોલીસે શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ શિપિંગ કન્ટેનર પાર્ક કરીને બંધ કરી દીધા છે.
રમખાણ વિરોધી સાધનો સાથે ડઝનબંધ પોલીસ અને અર્ધલશ્કરી દળો રસ્તાઓ પર તૈનાત છે. સાવચેતીના પગલારૂપે મોબાઈલ ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે રવિવારે સવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાજધાનીમાં કોઈપણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જનતાને અપીલ છે કે તેઓ સુરક્ષા એજન્સીઓને સહકાર આપે અને પોતાના ઘરમાં જ રહે.
તહરીક-એ-ઈન્સાફના કાર્યકરો ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યા છે
તમને જણાવી દઈએ કે આજે સવારથી જ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. અહીં દરેક જગ્યાએ લોકો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ઈસ્લામાબાદ તરફ જતા હાઈવે પરથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારબાદ અહીંના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
સરકારી સંસ્થાઓની સુરક્ષામાં વધારો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાઈવે પર શિપિંગ કન્ટેનર રાખવામાં આવ્યા છે. આંતરિક માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે.
ઇસ્લામાબાદમાં સંસદ ભવન, તમામ સરકારી સંસ્થાઓ, દૂતાવાસો અને વિદેશી સંસ્થાઓના કાર્યાલયોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.