ગુજરાતની એક મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 18 વર્ષના MBBS સ્ટુડન્ટ અનિલ મેથાનિયાનું મોત થયું હતું. રેગિંગ દરમિયાન અનિલને તેના વરિષ્ઠોએ લગભગ ત્રણ કલાક સુધી ઊભા રાખ્યા હતા, ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. પાટણના ધારપુરમાં આવેલી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની હોસ્ટેલમાં શનિવારે રાત્રે આ ઘટના બની હતી.
અનિલ 3 કલાક ઊભો રહ્યો
મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થી અનિલને પણ બોલાવવામાં આવ્યો હતો. સ્ટુડન્ટ્સે રેગિંગ દરમિયાન અનિલનો ઈન્ટ્રો લીધો, ત્યાર બાદ તેને લાંબા સમય સુધી ઊભા રહેવાની ફરજ પડી હતી. જેના કારણે તે બેભાન થઈ ગયો, જે બાદ તેનું મોત થઈ ગયું. મૃતક વિદ્યાર્થી આ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં હતો.
રેગિંગ કેસમાં તપાસ શરૂ
કોલેજના ડીન ડો.હાર્દિક શાહનું કહેવું છે કે અનિલ જ્યારે બેભાન થઈ ગયો ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેને બચાવવામાં નિષ્ફળ જતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડીને વધુમાં જણાવ્યું હતું કે કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ આ મામલે તપાસ શરૂ કરી છે. જો સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ માટે જવાબદાર જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અનિલના મિત્રો શું કહે છે?
આ ઘટના બાદ વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. આ સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 7 થી 8 સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓના જૂથને લગભગ ત્રણ કલાક ઊભા રહેવાની ફરજ પાડી હતી. એક વિદ્યાર્થીનું કહેવું છે કે, ‘તેઓએ અમને ઊભા રહેવા દબાણ કર્યું.’ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો આ સમગ્ર ઘટનાથી આઘાતમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે.