ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં શુક્રવારે રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી છે. ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાંથી મળેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂકંપના આંચકા બે થી ત્રણ સેકન્ડ માટે અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા, પરંતુ આ વિસ્તારમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
મહિનાની શરૂઆતમાં પણ ભૂકંપ આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં 3 નવેમ્બરે ગુજરાતના કચ્છ જિલ્લામાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર લખપતથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 53 કિલોમીટર દૂર હતું.
200 વર્ષમાં નવ વખત ગંભીર ભૂકંપ આવ્યા
ગુજરાતમાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્યમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપનો અનુભવ થયો છે. આમાં, 2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો.
2001માં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર કચ્છના ભચાઉ નજીક હતું અને સમગ્ર રાજ્યને અસર થઈ હતી. GSDMA ડેટા અનુસાર, આ ભૂકંપમાં લગભગ 13,800 લોકો માર્યા ગયા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા.
આ પણ વાંચો – અમદાવાદની 22 માળની ઈમારતના આઠમા માળે લાગી ભયાનક આગ, 200 લોકોને સલામત બહાર કઢાયા