દિલ્હી કેપિટલ્સે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલને 2025 IPL સિઝન માટે તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. 41 વર્ષીય મુનાફ મુખ્ય કોચ હેમાંગ બદાની અને ક્રિકેટ ડિરેક્ટર વેણુગોપાલ રાવ સાથે કામ કરશે. 2018માં પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર મુનાફ તેની કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ મોટી ટીમના કોચિંગની જવાબદારી નિભાવશે. તે જેમ્સ હોપ્સનું સ્થાન લેશે જેણે આઈપીએલ 2024 પછી મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે ફ્રેન્ચાઇઝી છોડી દીધી હતી.
મુનાફે તમામ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 86 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 125 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી. પટેલે 63 આઈપીએલ મેચ રમી છે અને તેમાં 74 વિકેટ લીધી છે. તે 2011માં ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો અને તેણે બે વખત IPL વિજેતા ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. 2008માં રાજસ્થાન રોયલ્સ સાથે અને 2013માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ પણ જીતી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મુનાફ 2022 થી બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલો છે અને 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલરની શોધમાં હતો.
દિલ્હી કેપિટલ્સે 2025 IPL સિઝન માટે ચાર ખેલાડીઓ અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને જાળવી રાખ્યા છે. પોતાના પર્સમાંથી 47 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ દિલ્હી પાસે 73 કરોડ રૂપિયા બચ્યા છે. દિલ્હી કેપિટલ્સે તેના કેપ્ટન ઋષભ પંતને રિલીઝ કર્યો છે. દિલ્હી કેપિટલ્સ પાસે 2 રાઈટ ટુ મેચનો વિકલ્પ છે. મેગા ઓક્શન 24-25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાવાની છે.