સ્વાદનો ચટાકો પડશે મોંઘો: મા શક્તિનો મહાપર્વ નવરાત્રી આજે અંતિમ નવમું નોરતું આવતી કાલે અસત્ય પર સત્યના વિજય એવા દશેરા પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઠેર-ઠેર રાવણના પૂતળાંનું દહન કરી શાનદાર ઉજવણી કરાશે. ત્યારે તહેવારો માણવાના શોખીન ગુજરાતીઓ રૂપિયા 3 કરોડના જલેબી-ફાફડાની જ્યાફત ઉડાવશે. દશેરાના પર્વ પૂર્વે ફરસાણના વેપારીઓ દ્ધારા ફાફડા જલેબી બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને શહેરના અનેક વિસ્તારોમાં મંડપ બાંધીને જલેબી-ફાફડાના વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જયારે ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા જલેબીની કિંમતમાં 40થી 80 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
દશેરા પર ફાફડા જલેબીના ભાવમાં વધારો
દશેરા પર્વ પર શહેરના સ્વાદરસિકો જલેબી-ફાફડા જ્યાફત ઉડાવતા હોય છે. વહેલી સવારથી જ સ્વાદરસિકોની કતારો ફરસાણના વેપારીઓને ત્યાં જલેબી-ફાફડાની ખરીદી માટે લાગી જાય છે. ફરસાણના વેપારીઓની સાથે સાથે સ્પેશિયલ દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પણ મંડપ બાંધીને જલેબી-ફાફડાનું વેચાણ કરવા સ્ટોલ ઉભા કરીને દેવામાં આવ્યા છે. દશેરા પર્વ પર ફાફડા જલેબીના સ્વાદના શોખીન લાખો ગ્રાહકોને પહોંચી વળવા માટે ફાફડા અને જલેબી માટે અલગથી મંડપ ઉભા કરી હજારો સ્ટોલ લાગી ગયા છે અને દશેરાના દિવસે શહેરીજનો રૂપિયા 3 કરોડોના ફાફડા જલેબી આરોગી જશે.
મોંઘાભાવના ફાફડામાં સૌરાષ્ટ્ર-કાઠિયાવાડનું પ્રખ્યાત શુદ્ધ બેસન(ચણાનો લોટ), બ્રાન્ડેડ સિંગતેલ, અજમો હિંગ સહિતના દ્રવ્યોનો સપ્રમાણ ઉપયોગ કરાય છે. શુદ્ધતા-સાત્વિકતાથી તૈયાર કરાતા જલેબીનો 1 કિલોનો ભાવ રૂપિયા 750 રૂપિયા છે. ફાફડા 1 કિલોનો ભાવ રૂપિયા 550.
ભાવ વધારા વચ્ચે લોકો ફાફડા જલેબી ખાવા તૈયાર
દશેરામાં મિઠાઇની ખરીદીમાં લાંબી લાઇનથી બચવા એક દિવસ પહેલા પણ લોકો ફાફડા જલેબીની ખરીદી કરી લેતા હોય છે. નવરાત્રી પર્વની ઉજવણીમાં ભાવ વધારા વચ્ચે પણ લોકો ફાફડા જલેબી ખાવા તૈયાર હોય છે. જોકે આ ખરીદી પર વરસાદની અસર પડવાની વેપારીઓને ભીતિ સતાવી રહી છે. જેથી આ વખતે વરસાદને ધ્યાને રાખી વેપારીઓ તૈયારી કરી રહ્યા છે.
દશેરા પર્વ પર ફાફડા અને જલેબીના વેપારીઓ પર પાલિકાનું ફુડ વિભાગ બાજનજર રાખી રહ્યું છે. ઘણીવાર ફરસાણના વેપારીઓ વધુ નફાખોરી કરવા એક જ તેલમાં વારંવાર ફરસાણ બનાવતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. આ વેપારીઓને ત્યાં પાલિકાની ફુડ વિભાગની ટિમ દ્ધારા એક ખાસ મશીનથી વેપારી વાપરી રહેલ તેલની ચકાસણી કરવામાં આવે છે અને તેલના ટોટલ પોલાર કાઉન્ટની તપાસણી કરવામાં આવે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મશીન દ્વારા તેલનું ચેકિંગ કરવામાં આવે ત્યારે તે તેલના ટોટલ પોલાર કાઉન્ડ 25થી વધુ આવે તો તે તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું માનવામાં આવે છે. મશીન પણ ચેકિંગમાં જ લાલ સિગ્નલ બતાવી દે છે. જેથી તે તેલ ઉપયોગલાયક નથી તેવો ખ્યાલ આવી જાય છે.