શિવમ દુબે 6 ઓક્ટોબરથી શરૂ થનારી ભારત વિ બાંગ્લાદેશ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને 21 વર્ષીય બેટ્સમેન તિલક વર્માને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત-બાંગ્લાદેશ શ્રેણી 6 થી 12 ઓક્ટોબર સુધી ચાલશે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શિવમ દુબેને પીઠની ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર બેસવું પડશે.
દુબે છેલ્લા ઘણા મહિનાઓથી ભારતની T20 ટીમનો અભિન્ન ભાગ છે. તે ટી20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમનો પણ ભાગ હતો. બાંગ્લાદેશ સામેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને આ ઈજા થઈ હતી. તેની ઈજાને કારણે ભારતે બોલિંગનો એક વિકલ્પ ગુમાવ્યો છે અને તે સિવાય શિવમ ભારતના મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે પણ કામ કરી રહ્યો હતો. પરંતુ તેની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા પાસે હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીના રૂપમાં ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે.
બીજી તરફ તિલક વર્માની વાત કરીએ તો તેણે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 416 રન બનાવ્યા હતા. ઘરેલુ સિઝનમાં પણ તેના બેટથી ઘણા રન થયા હતા. હવે તે મેચના દિવસે એટલે કે રવિવારે સવારે ગ્વાલિયરમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. તિલક વર્માએ ભારત માટે અત્યાર સુધીમાં 16 T20 મેચ રમી છે, જેમાં તેણે 336 રન બનાવ્યા છે. તેના નામે 2 અડધી સદી પણ છે. તિલકે અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમીને બધાને પ્રભાવિત કર્યા છે અને હવે તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની છાપ છોડવાની સુવર્ણ તક હશે.
ભારતની અપડેટેડ ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાકવ. , તિલક વર્મા.