ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરને કારણે પાકની સાથે જાનમાલને પણ ઘણું નુકસાન થયું હતું. તેને જોતા કેન્દ્ર સરકારે ગુજરાત માટે 600 કરોડ રૂપિયાના રાહત પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ ગુજરાતને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી કેન્દ્રીય હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ રકમ તરીકે મંજૂર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સોમવારે તેની સત્તાવાર જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારે ગુજરાત ઉપરાંત મણિપુરને 50 કરોડ રૂપિયા અને ત્રિપુરાને 25 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા.કેન્દ્ર સરકાર પૂર પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા માટે થોડા સમય પહેલા આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી. આ ટીમ ચાર દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈ હતી. તેમણે ખેતરોમાં જઈને સર્વે કર્યો અને ખેડૂતો સાથે વાત પણ કરી. આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમે તેનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યો હતો. જેના આધારે સરકારે આ રાહત પેકેજને મંજૂરી આપી છે.
પીએમ મોદીએ અમદાવાદમાં પૂરના કારણે મદદની વાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ આ મહિને પ્રથમ વખત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત જાહેર સભામાં કહ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. આવો વરસાદ પહેલા ક્યારેય થયો ન હતો. જેના કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ગુજરાતના લોકોને મદદ કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો – નિર્દય જનેતાનું કાળજું કંપાવનારું કામ, 3 દિવસની બાળકીને જીવતી દફનાવી