ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ખરાબ આઉટફિલ્ડને કારણે બે દિવસ સુધી કોઈ રમત થઈ ન હતી. જે બાદ આજે ચોથા દિવસની રમત ચાલુ છે. બાંગ્લાદેશની ટીમ કાનપુર ટેસ્ટના પ્રથમ દાવમાં ચોથા દિવસે 233 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશને પ્રથમ દાવમાં છેલ્લો ઝટકો આપ્યો હતો. આ સાથે જાડેજાએ ઈતિહાસ રચ્યો છે. હવે જાડેજા આવું કરનાર એશિયાનો પ્રથમ બોલર બની ગયો છે.
જાડેજાએ ઈતિહાસ રચ્યો
રવિન્દ્ર જાડેજા પ્રથમ દાવમાં માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ એક વિકેટ લઈને જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂરી કરી લીધી છે. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ અને 3000 રન બનાવનાર એશિયન ખેલાડી બની ગયો છે. આ સિવાય જાડેજા વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. જાડેજા કરતાં આ ઝડપથી કરી શકે તેવો વિશ્વનો એકમાત્ર ક્રિકેટર ઈંગ્લેન્ડનો દિગ્ગજ બોલર ઈયાન બોથમ છે. આઈએમ બોથમે 72 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 73મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનારો ભારતનો સાતમો બોલર બની ગયો છે.
બાંગ્લાદેશ 233 રનમાં સમેટાઈ ગયું હતું
કાનપુર ટેસ્ટ મેચના ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 233 રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી બેટિંગ કરતા મોમિનુલ હકે શાનદાર સદી ફટકારી હતી અને તેના બેટમાંથી 107 રન ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 31 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી.
જ્યાં પ્રથમ દિવસે આકાશ દીપે 2 અને આર અશ્વિને એક વિકેટ ઝડપી હતી. તો ચોથા દિવસે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મોહમ્મદ સિરાજે 2, અશ્વિને એક વિકેટ અને જાડેજાએ પણ એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાએ તોડ્યો ઓસ્ટ્રેલિયાનો ઘમંડ, વર્ષો જૂનો રેકોર્ડ તોડી કર્યો પોતાને નામ